એકનાથ શિંદે કુદરતી આફતોથી રક્ષણ માટેની 1950 યોજના માટે રૂ. 2,766 કરોડ ખર્ચશે
મુંબઈ: રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કુદરતી આફતોને ઘટાડવાના હેતુથી રૂ. 2,766 કરોડના ખર્ચે 1950 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં ભૂસ્ખલન નિવારણ, વીજપુરવઠો ખોરવાઈ જવા સામે રક્ષણ, પૂર સંરક્ષક દિવાલો, નાના પુલનું બાંધકામ, ડ્રેનેજ ઉંડા કરવા, ભૂગર્ભજળ રિચાર્જ, તળાવની જાળવણી અને વનીકરણનો સમાવેશ થાય છે. વધુમાં મંત્રાલયમાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને અપગ્રેડ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સચિવાલયના કેબિનેટ હોલમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન અનિલ પાટીલ, મુખ્ય સચિવ સુજાતા સૌનિક અને રાહત-પુનર્વસન વિભાગના મુખ્ય સચિવ સોનિયા સેઠીએ હાજરી આપી હતી.
આ પણ વાંચો : અજિત પવાર એવું શું બોલ્યા છે કે હવે ભાજપે પણ કહ્યું કે અમારે સંબંધ….
મુખ્ય પ્રધાન શિંદેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભંડોળની અછત આપત્તિ નિવારણ પગલાંને અવરોધે નહીં તેનું ધ્યાન રાખવું અને સૂચના આપી હતી કે આ પ્રોજેક્ટ સમયસર અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. તેમણે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે ઉપયોગી આધુનિક ટેકનોલોજી અને સાધનોના ખરીદવા માટે પણ લીલી ઝંડી દાખવી હતી.
બેઠકમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આધુનિક બનાવવા અને દરેક જિલ્લા કલેક્ટર માટે કનેક્ટિવિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લા ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર્સને અપગ્રેડ કરવા માટે રૂ. 100 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્ય લેન્ડસ્લાઈડ મેનેજમેન્ટ પ્લાન, ગ્રામ પંચાયત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, મહારાષ્ટ્ર સ્ટેટ હીટ એક્શન પ્લાન અને પાલઘર-વસઈ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ લાઇન પ્રોજેક્ટને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.