મહારાષ્ટ્ર

પુત્રવધૂને મંત્રીપદની તક મળતાં જ સસરા એકનાથ ખડસેએ….

લોકસભાની ચૂંટણીમાં રાવર લોકસભા મતવિસ્તારના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ રક્ષા ખડસેને મંત્રી પદ મળવાની શક્યતા છે. રક્ષા ખડસેને ભાજપ પાર્ટી નેતૃત્વ તરફથી મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે દિલ્હી આવવાનો ફોન આવ્યો હતો. તેઓ આજે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી ગયા છે. તેમની સાથે તેમના સસરા અને ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે પણ દિલ્હી ગયા છે. દરમિયાન પુત્રવધૂને મંત્રી બનવાની તક મળતા સસરા એકનાથ ખડસેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે ભીના ગળે ખુશી વ્યક્ત કરી હતી.

“અમારો પરિવાર અને ગ્રામજનો ખૂબ જ ખુશ છે કે રક્ષા ખડસે કેન્દ્રીય પ્રધાન બની રહી છે. મને લાગે છે કે ઘણા વર્ષો સુધી ભાજપમાં કામ કરવાને કારણે અને તેમના કામ અને ભાજપ પ્રત્યેની વફાદારીના પરિણામે આજે રક્ષા ખડસેને શપથ ગ્રહણ માટે બોલાવવામાં આવ્યા છે. અમારા પરિવાર સાથે બધાના આશીર્વાદ છે. ખાસ કરીને ત્રીજી વખત રક્ષા ખડસેને તક આપવા બદલ મતદારોનો આભાર. મતદારોના કારણે જ તેમને દિલ્હી અને કેન્દ્રીય મંત્રીપદ પર જવાની તક મળી,” એમ એકનાથ ખડસેએ કહ્યું હતું.

શું તમે પણ રક્ષા ખડસે સાથે દિલ્હી જશો? એવો સવાલ જ્યારે એકનાથ ખડસેને કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “હું પણ દિલ્હી જઈ રહ્યો છું. હું બપોરે 3 વાગ્યે દિલ્હી જવા નીકળીશ.” ત્રીજી વખત સાંસદ બનેલી તેમની પુત્રવધૂની પ્રગતિ અને પ્રશંસા જોવા માટે તેઓ દિલ્હી જશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?

એકનાથ ખડસેએ એમ પણ જણાવ્યું હતું કે રક્ષા ખડસે ઉત્તર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાન છે, અને તેમની મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં પ્રથમ મહિલા મંત્રી તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો નવી કેબિનેટમાં મહારાષ્ટ્રના મહિલા મંત્રી તરીકે રક્ષાતાઈનું નામ આપવામાં આવ્યું છે. તેથી મહારાષ્ટ્રના મંત્રી તરીકે તેમણે મહારાષ્ટ્ર અને જળગાંવને ન્યાય આપવાનો પ્રયાસ કરવો જોઈએ.

રક્ષા ખડસેના વખાણ કરતા એકનાથ ખડસેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમને ગળે ડૂમો બાઝ્યો હતો. રક્ષા ખડસેને મંત્રી પદના શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા તેનાથી તેમને ઘણી જ ખુશી થઇ છે. “કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લેવા એ જીવનની સૌથી મોટી વાત છે. હું મારા આંસુ રોકી શકતો નથી. એ ખુશીના આંસુ છે. હું મારા જીવનમાં આટલો ખુશ ક્યારેય નહોતો.”

રક્ષા ખડસે સતત ત્રીજી વખત રાવર લોકસભાથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પોતાની જીત બાદ રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, “લોકસભાની ચૂંટણીમાં જીત અને આ સફળતા લોકોને લીધે છે. કારણ કે જનતાના કારણે હું ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ છું. હું અમારા તમામ નેતાઓનો આભાર માનું છું, તેમના યોગદાનને કારણે હું ચૂંટાઇ છું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button