બેંક સાથે છેતરપિંડી: જ્વેલરી કંપનીના પ્રમોટર્સ સામે કોર્ટમાં ઈડીની ફરિયાદ

નાગપુર: બેંક સાથે કરોડોની છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભૂતપૂર્વ સાંસદ ઈશ્વરલાલ જૈન, તેમના પુત્ર અને વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય મનીષ જૈનનો સમાવેશ કરતી ત્રણ કંપની અને તેના પ્રમોટર્સ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા ૨૬મી જુલાઇએ નાગપુરની વિશેષ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેની સુનાવણી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવશે. કોર્ટે ફરિયાદની આપમેળે નોંધ લીધી હતી, એમ ઇડીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ફરિયાદમાં જે ત્રણ કંપનીનો ઉલ્લેખ કરાયો છે તેમાં રાજમલ લખિચંદ જ્વેલર્સ પ્રા. લિ., આર. એલ. ગોલ્ડ પ્રા. લિ., મનરાજ જ્વેલર્સ પ્રા. લિ. તથા તેના પ્રમોટર્સ/ડિરેક્ટર્સ/ગેરન્ટર્સમાં ઇશ્ર્વરલાલ જૈન, મનીષ જૈન અને અન્યોનો સમાવેશ થાય છે.
ઇશ્ર્વરલાલ જૈન અવિભાજિત એનસીપીના ભૂતપૂર્વ ખજાનચી હતી અને શરદ પવારના નજીકના સહાયક છે. તેઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને તેમના પુત્ર મનીષ જૈન મહારાષ્ટ્ર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય હતા.
સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી ત્રણ એફઆઇઆરના આધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી. એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે જ્વેલરી કંપનીઓ અને તેના પ્રમોટર્સ/ડિરેક્ટર્સ કાવતરું રચવા, છેતરપિંડી અને ગેરરીતી આચરવામાં સામેલ હતા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (સીબીઆઇ) પાસેથી લોન લઇને ચૂકવી નહોતી જેને કારણે બેંકને રૂ. ૩૫૨.૪૯ કરોડ (વ્યાજ વગર)નું નુકસાન થયું હતું.
ઇડીને તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રમોટર્સ દ્વારા લોન લેવા માટે ખોટા નાણાકીય વ્યવહાર જણાવ્યા હતા. કંપનીના ઓડિટર્સ સાથે મળીને રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે અકાઉન્ટના ચોપડામાં ખરીદી-વેચાણના ખોટા વ્યવહાર દેખાડ્યા હતા. આ સિવાય પ્રમોટર્સ દ્વારા બેંકની જાણ બહાર ગિરવે રાખેલી મિલકતોનો હિસ્સો પણ વેચવામાં આવ્યો હતો, એમ ઇડીએ જણાવ્યું હતું.