મહારાષ્ટ્રમાં દુકાળના ડાકલા: કૃષિ વિભાગે આપી ચોંકાવનારી માહિતી
પુણે: રાજ્યના 15 જિલ્લાના 42 તાલુકામાં દુષ્કાળની સ્થિતી હોવાનો અહેવાલ કૃષિ વિભાગે મંત્રાલયને મોકલ્યો છે. આ અહેવાલના આધારે દુષ્કાળની તિવ્રતા નક્કી કરવામાં આવશે. હાલમાં આ 42માંથી લગભગ 40 તાલુકા દુષ્કાળગ્રસ્ત હોવાની શક્યાતઓ વર્તાઇ રહી છે. જેમાંથી 24 તાલુકામાં તીવ્ર જ્યારે 16 તાલુકામાં મધ્યમ સ્વરુપનો દુષ્કાળ હોવાનું કૃષિ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ચોમાસાનું વિલંબ બાદ આગમન અને અનેક વિસ્તારોમાં સતત 21 દિવસો કરતાં વધુ સમય વરસાદની ગેરહાજરીને કારણે અનેક તાલુકાઓમાં દુષ્કાળની પરિસ્થિતી સર્જાઇ છે. વડા પ્રધાન પાક વિમા યોજના નિયમ મુજબ સતત 21 દિવસ વરસાદની ગેરહાજરી રહેલ વિસ્તારોમાં વિમા કંપનીઓને નુકસાન ભરપાઇની 21 ટકા રકમ આપવાની સૂચના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા જિલ્લા અધિકારીઓને આપાવમાં આવી છે. જે અંતર્ગત જિલ્લાસ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 15 જિલ્લાના 42 તાલુકમાં દુષ્કાળની સ્થિતી હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું હતું. કૃષિ વિભાગ દ્વારા વિભાગસ્તરે દુષ્કાળની તીવ્રતા તપાસવાની સૂચના આપી હતી. જેનો અહેવાલ પાછલાં અઠવાડિયામાં મળ્યો હતો. અને હવે કૃષિ વિભાગ દ્વારા અંતિમ અહેવાલ મંત્રાલયમાં મોકલવામાં આવ્યો છે. જેના પર રાજ્યમા પ્રધાન મંડળની બેઠકમાં અંતિમ નિર્ણય થવાની શક્યતાઓ છે.
રાજ્યના 42 તાલુકામાં દુષ્કાળની તીવ્રતા કૃષિ વિભાગ દ્વારા ચકાસવામાં આવી છે. જેમાં પુણે જિલ્લાના વેલ્હા અને મુળશી તાલુકામાં દુષ્કાળની તીવ્રતા સામાન્ય છે. તેથી આ બંને તાલુકાને બાદ કરતાં બાકીના 40 તાલુકામાં દુષ્કાળની તિવ્રતા જાહેર થાય તેવી શક્યતાઓ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સંબંધિત તાલુકામાં દુષ્કાળની તીવ્રતા નક્કી કર્યા બાદ ત્યાંના ખેડૂતોને પાક માટે લિધેલ દેવાની વસુલીમાં રાહત, ખેતી માટેના વિજળીના બિલમાં 33.5 ટકાની છૂટ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીઓને પરિક્ષા ફી માફી, કૃષી દેવાની વસુલી પર સ્થગીતી, જમીન કરમાં રાહત જેવી જાહેરાત થઇ શકે છે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.