વર્ધા જિલ્લામાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ:192 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, ત્રણ જણની ધરપકડ..

મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) વર્ધા જિલ્લામાં ગેરકાયદે રીતે મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને 192 કરોડ રૂપિયાનું 128 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે ફાઇનાન્સર અને કેમિસ્ટ તરીકે કામ કરતા માસ્ટરમાઇન્ડ સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઇના અધિકારીઓએ રવિવાર અને સોમવાર દરમિયાન આ કાર્યવાહી કરી હતી.
ડીઆરઆઇએ મળેલી માહિતીને આધારે વર્ધાથી લગભગ 60 કિમી પર આવેલા કરંજા (ઘાડગે)ના અંતરિયાળ વિસ્તારમાં ‘ઑપરેશન હિંટરલેન્ડ બ્રુ’ હાથ ધર્યું હતું. ઝાડીઓ વચ્ચે આ ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી, જ્યાં પૂર્ણ સ્તરે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
ઑપરેશન દરમિયાન સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મેફેડ્રોન નામે ડ્રગ્સનું ઉત્પાદન અને વિતરણ કરતા હતા. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
128 કિલો ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવા સાથે 245 કિલો ડ્રગ્સ બનાવવા માટેનું રસાયણ તથા કાચો માલ અને ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આમાં વધુ કોણ કોણ સંડોવાયેલું છે અને આરોપીઓ ડ્રગ્સ ક્યાં અને કોને સપ્લાય કરતા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)



