કેટલી હોનહાર હતી આત્મહત્યા કરનારી મહારાષ્ટ્રની મહિલા ડોક્ટર, જાણો તેનાં ઉપરી પાસેથી

મુંબઈઃ સમગ્ર મહારાષ્ટ્રમાં ચકચાર જગાવનારી સાતારાના ફલટણમા મહિલા ડોક્ટરની આત્મહત્યામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અધિકારી અને તેમના સાથીનાં ત્રાસથી કંટાળેલી સંપદા મુંડે નામની ડોકટર મહિલાની આત્મહત્યા બાદ આરોપી પ્રશાંત બનકરની બહેને સંપદાને માનસિક તણાવથી પીડાતી મહિલા કહી હતી. પ્રશાંત સંપદાના મકાનમાલિકનો દીકરી છે અને સંપદાએ સ્યૂસાઈડ નોટમાં તેના તરફથી થતી પજવણીનો પણ ઉલ્લેખ કર્યો છે.
શું કહ્યું સંપદાના ઉપરી અધિકારીએ
આ કેસના મુખ્ય આરોપી પીએસઆઈ ગોપાલ બદાને પહેલા ફરાર હતો, પછીથી તેણે શરણાગતિ સ્વીકારી લીધી છે. ત્યારે સંપદા જ્યાં ઈન્ટર્નશિપ કરતી તે ફલટણ ઉપજિલ્લા હૉસ્પટલના અધિક્ષક અંશુમાન ધુમાલે અને સાતારા જિલ્લા હોસ્પિટલના ડોક્ટર યુવરાજ કરપેએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે એ વાતથી સાફ ઈનકાર કર્યો હતો કે સંપદા કોઈપણ પ્રકારના તણાવમાં હતી અને તેણે પોતાની માનસિક બીમારીને લીધે આત્મહત્યા કરી છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોતાને પોલીસ અધિકારી દ્વારા ત્રાસ આપવામાં આવે છે, તેવી ફરિયાદ સંપદાએ ક્યારેય પોતાના ઉપરી અધિકારીઓને કહી ન હતી.
સંપદાનાં નામે બન્યો છે આ રેકોર્ડ
સંપદા એક ખૂબ જ કર્તવ્યનિષ્ઠ ડોક્ટર હતી. તેનાં ઉપરીઓના જણાવ્યા અનુસાર તે પોતાનું કામ ખૂબ સારી રીતે કરતી. કોઈ દિવસ કોઈપણ દરદી તરફથી કોઈ ફરિયાદ આવી નથી. ડોક્ટોરની શિફ્ટ લગાવવાનું કામ સંપદાનું હતું. તે પોતે 24 કલાક ડ્યૂટી કરતી જેથી તે 24 કલાક ઓફ લઈ અભ્યાસ કરી શકે. તેનાં નામે ફલટણ હૉસ્પિટલમાં સૌથી વધારે 36 પોસ્ટમોર્ટમ કર્યા હોવાનો રેકોર્ડ છે.
ડોક્ટરની આત્મહત્યાથી મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષોએ ભારે હલ્લાબોલ કર્યું છે. રાજ્યનું ગૃહ ખાતું ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંભાળતા હોવાથી અને કેસમાં પોલીસ અધિકારી સંડોવાયેલો હોવાથી સરકારે જવાબ દેવો ભારે પડી રહ્યો છે. જોકે આ બધા વચ્ચે એક હોનહાર ડોકટર મહારાષ્ટ્રએ ગુમાવી છે.
આ પણ વાંચો…સાતારામાં મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું: હથેળી પર રેપિસ્ટ પોલીસ અધિકારી સહિત બેનાં નામ લખ્યાં…



