એમવીએની બેઠકોની વહેંચણી બાદ કોંગ્રેસનાં વધુ એક નેતાએ અસંષોત વ્યક્ત કર્યો…
મુંબઈ: મહાવિકાસ આઘાડી (એમવીએ)માં બેઠકોની વહેંચણી મુદ્દે એક બાજુ મુંબઈ પ્રદેશ કાર્યાલયમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યા હતા ત્યાં બીજી બાજુ મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પણ પોતાનો અસંતોષ જાહેર કર્યો હતો.
રાજ્ય કૉંગ્રેસના આગેવાનો બેઠકોની વહેંચણીમાં વધુ બેઠકો મેળવી શકી હોત, તેમ કહીને વર્ષા ગાયકવાડે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ફાળે ગઇ છે તેનાથી મુંબઈ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ભારે નારાજ છે અને તે વર્ષા ગાયકવાડને આ બેઠક પરથી લડવા દેવામાં આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.
ગાયકવાડે વધુમાં કહ્યું હતું કે ભૂતકાળમાં કૉંગ્રેસ મુંબઈમાં પાંચ બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડતી હતી અને ફક્ત અવિભાજિત એનસીપીને એક બેઠક આપતી હતી. એનસીપીને એ વખતે ઉત્તર-પૂર્વ મુંબઈની બેઠક ફાળવવામાં આવતી હતી. તેથી અમે ફક્ત બેઠકોની એકસરખી વહેંચણી કરવામાં આવે તેવું ઇચ્છતા હતા.
પોતે બેઠકોની વહેંચણીથી નારાજ છે કે શું તેમ પૂછતા તેમણે કહ્યું હતું કે અમે અમારા કેડર(સંવર્ગ)ને જવાબ આપવા બંધાયેલા છીએ. હું અમારા મુંબઈના કાર્યકર્તાઓની ભાવના સતત કૉંગ્રેસના રાજ્ય એકમ અને કેન્દ્રીય એકમ સુધી પહોંચાડી રહી છું, જેથી કૉંગ્રેસને સરખા ભાગની બેઠક મળે. જોકે, હવે નિર્ણય લઇ ચુકાયો હોવાથી પક્ષની નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે હું અને મુંબઈના કાર્યકર્તા પક્ષ માટે કામ કરીશું.