મહારાષ્ટ્ર

Dinner Diplomacy: ઉદ્ધવ ઠાકરેની શિવસેના પર ઘેરાયા દુઃખના વાદળ, હવે શું કરશે..?

મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ શું ચાલી રહ્યું છે એવો સવાલ આજે બધાના મોઢામાં છે. એક તરફ તો દેવા ભાઉ એટલે કે સીએમ ફડણવીસ સવારે રાજ ઠાકરેને અને સાંજે ઉદ્ધવ ઠાકરેના નેતાઓને બંધ દરવાજે મળી રહ્યા છે.

બીજી તરફ એકનાથ શિંદે ગૂગલી ફેંકીને ઉદ્ધવ ઠાકરેને હેરાન કરી રહ્યા છે. એમ લાગે છે કે શિંદેએ ઠાકરે સેનાને સંપૂર્ણપણે ખતમ કરવાનું મન બનાવી લીધું છે અને ઉદ્ધવ ઠાકરે દુઃખી દુઃખી થઇ ગયા છે.

દિલ્હીની ડિનર ડિપ્લોમસીએ ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે આદિત્ય ઠાકરેએ રાહુલ ગાંધીની મુલાકાત કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. બીજી બાજુ દિલ્હીમાં શરદ પવારે એકનાથ શિંદેને ‘મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર’ આપીને ઉદ્ધવને કારમો ઘા આપ્યો છે, જેને કારણે મહાવિકાસ આઘાડી (એવીએ)માં ખળભળાટ મચી ગયો છે. કંઇક તો ચાલી રહ્યું છે અને ઉદ્ધવની પાર્ટીનું વિભાજન થઇ શકે છે, એમ છાની વાતો થવા માંડી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ ફડણવીસને મળ્યા ઉદ્ધવ જૂથના નેતા, જાણો સિક્રેટ?

શિંદે જૂથના નેતાઓ તો પહેલાથી જ ઑપરેશન ટાઇગરની વાત કરી રહ્યા છે. શિંદે જૂથના ઉદય સામંતનો દાવો છે કે લોકો ધીમે ધીમે આગળ આવી રહ્યા છે, કેટલાક હજી પણ સંતાકૂકડી રમી રહ્યા છે, પણ સમય આવશે ત્યારે તેઓ અમારી સાથે જોડાઇ જશે.

દરમિયાનમાં ઠાકરે સેનાના નેતા આદિત્ય ઠાકરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. બંને નેતાઓએ ચૂંટણી પંચ પર લગાવવામાં આવેલા આરોપો પર ચર્ચા કરી હતી. એમવીએમાં ફફડાટ છે. 2022માં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનામાંથી બળવો કરી તેમના અડધા વિધાનસભ્યોને પોતાની સાથે લીધા હતા અને બાદમાં શિવસેના પર નિયંત્રણ મેળવી લીધું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ એકનાથ શિંદે ફરી ફડણવીસની સભામાં ગેરહાજર

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિંદેસેના અને અજિત પવારની એનસીપીની બનેલી મહાયુતિની ભવ્ય જીત થઇ હતી અને કૉંગ્રેસ, ઠાકરે સેના અને શરદ પવારની એનસીપીની બનેલી MVAનો વીંટો વળી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવે છે અને શરદ પવાર તેમનું સન્માન કરે છે, જેનાથી ઉદ્ધવની લાગણી વધુ ઘવાઇ છે. આદિત્ય ઠાકરે પણ દુઃખી છે. તેમણે જણાવ્યું છે કે દેશદ્રોહીનું સન્માન કરવાનું અમારાથી ના થઇ શકે. એ અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે, પણ શરદ પવારના સિદ્ધાંતની મને જાણ નથી. આ બધા ખેલ જોતા એમ લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી મોટો ભૂકંપ આવવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button