મહારાષ્ટ્રના નવા ચૂંટણી કમિશનર તરીકે IAS દિનેશ વાઘમારેની નિમણૂક

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે IAS (આઈએએસ) અધિકારી દિનેશ વાઘમારેને રાજ્યના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આઈએએસ વાઘમારેની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ પદ પર નિમણૂક કરવામાં આવી છે. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ના મહારાષ્ટ્ર કેબિનેટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એસઈસીના પદ માટે ઉમેદવારની ભલામણ કરવા માટે અધિકૃત કર્યા હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસારદિનેશ વાઘમારે આ પદ પર પાંચ વર્ષ માટે કામ કરશે. જોકે, તેઓ આ પોસ્ટ પર પુનઃનિમણૂક માટે પાત્ર રહેશે નહીં.
કોણ છે દિનેશ વાઘમારે?
દિનેશ વાઘમારે ૧૯૯૪ બેચના આઈએએસ અધિકારી છે. તેમણે વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, નાગપુરમાંથી બી. ઈ (ઇલેક્ટ્રોનિક્સ)ની ડિગ્રી મેળવી છે, ત્યાર બાદ તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એમ.ટેકની ડિગ્રી મેળવી છે. તેમણે ઈંગ્લેન્ડની બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાંથી ડેવલોપમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્લાનિંગમાં એમ. એસ. સી પણ કર્યું છે.
રાજ્ય ચૂંટણી કમિશનરના પદ પર નિમણૂક થતા પહેલા તેમણે સામાજિક ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ અને ઊર્જા વિભાગમાં પ્રમુખ સચિવ જેવા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. તેઓ રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર સ્ટેટ પાવર ટ્રાન્સમિશન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ રાજ્ય ચૂંટણી કમિશનર તરીકેનો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કાર્યકાળ પૂર્ણ કરનાર યુ. પી. એસ મદાનનું સ્થાન લેશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે વાઘમારે મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ, ગ્રામ પંચાયતો, મ્યુનિસિપલ કોર્પોરેશનો (બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત) અને પરિષદો માટે મતદાર યાદીની તૈયારી અને ચૂંટણીનું સંચાલન, નિર્દેશન અને નિયંત્રણ કરશે.