મહારાષ્ટ્ર

બોલો! હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજની ‘ડિજિટલ અરેસ્ટ’ કરી બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ

નાગપુર: બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ વિજય ડાગાને સાયબર ઠગે ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાવીને બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાયબર ઠગે વીડિયો કૉલ રાજસ્થાન-ગુજરાતની સીમાએથી કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે નાગપુરમાં રહેતા ડાગાને બુધવારની સવારે 11 વાગ્યે અજાણ્યા નંબર પરથી વીડિયો કૉલ આવ્યો હતો. કૉલ કરનારો ઠગ પોલીસની વરદીમાં હતો. વીડિયો કૉલમાં ઠગ કોઈ પોલીસ સ્ટેશનમાં બેઠો હોવાનું દૃશ્ય ઊભું કરાયું હતું.

આ પણ વાંચો: મહિલા ડૉક્ટરને આઠ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી સાયબર ગુનેગારોએ ત્રણ કરોડ પડાવ્યા

મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના એક કેસમાં ડાગાની સાઠગાંઠ સામે આવી હોવાનો દાવો ઠગે કર્યો હતો. તેણે કહ્યું હતું કે ડાગાના આધાર કાર્ડની મદદથી એક સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે, જેનો ઉપયોગ 2023માં કૅનેરા બૅન્કમાં તેમના નામે ખાતું ખોલાવવા સહિત ગેરકાયદે ટ્રાન્ઝેક્શન્સમાં થયો હતો. એ સિવાય જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલ સાથે કડી ધરાવવાનો પણ આરોપ ઠગે કર્યો હતો.

પોતે કંઈ ખોટું કર્યું નથી, એમ ડાગાએ કહેતાં કૉલ મહિલાને ટ્રાન્સફર કરાયો હતો. મહિલાએ પોતાની ઓળખ વરિષ્ઠ અધિકારી તરીકે આપી હતી. મહિલાએ બે કરોડ રૂપિયા તાત્કાલિક ચૂકવવાની ધમકી આપી હતી. બપોરે અઢી વાગ્યા પહેલાં નાણાં ટ્રાન્સફર કરવામાં ન આવે તો જેલમાં જવું પડશે અને જામીન પણ નહીં મળે, એવી ચીમકી મહિલાએ ડાગાને આપી હતી.

આ પણ વાંચો: ‘ડિજિટલ અરેસ્ટ’ને નામે વૃદ્ધા પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવવા પ્રકરણે ત્રણ વેપારીની ધરપકડ…

આ પ્રકરણે ડાગાએ તરત જ નાગપુર પોલીસના સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટના પ્રોટોકૉલ ઑફિસરને પણ આ અંગે જાણ કરાઈ હતી. તપાસ દરમિયાન કૉલ રાજસ્થાન-ગુજરાતની બૉર્ડર નજીકથી આવ્યો હોવાનું જણાયું હતું. આ મામલે નાગપુર સાયબર પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button