જીબીએસના દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવાનો ફડણવીસનો આદેશ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે અધિકારીઓને ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ)ના દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ફડણવીસે રાજ્ય કેબિનેટની બેઠકમાં ઈમ્યુનોલોજી નર્વ ડિસઓર્ડર જીબીએસથી સંક્રમિત દર્દીઓનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પુણેમાં અત્યાર સુધીમાં 111 જીબીએસના કેસ નોંધાયા છે, જેમાંથી 80 ફક્ત પાંચ કિમીની ત્રિજ્યામાં છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 35,000 ઘરો અને 94,000 લોકોનું (તબીબી) નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
સોલાપુર જિલ્લામાં એક શંકાસ્પદ જીબીએસના દર્દીનું મૃત્યુ થયું હતું, જેના કારણે તે મહારાષ્ટ્રમાં જીબીએસ-સંબંધિત મૃત્યુનો પ્રથમ કેસ બની શકે છે.
સોલાપુરના 40 વર્ષના વતનીને પુણેની મુલાકાત દરમિયાન ચેપ લાગ્યો હોવાની શંકા છે.
ફડણવીસે જણાવ્યું હતું કે, પુણેમાં કમલા નહેરુ હોસ્પિટલ અને પિંપરી-ચિંચવડમાં યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલને જીબીએસના દર્દીઓ માટે યોગ્ય સારવાર આપવા કરવા માટે બે સમર્પિત હોસ્પિટલો તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
તેમણે લોકોને પાણી ઉકાળવાની અપીલ કરી હતી, કારણ કે જીબીએસ મુખ્યત્વે દૂષિત પાણી અથવા કાચા માંસને કારણે થાય છે.
ફડણવીસે કહ્યું હતું કે, જીબીએસના દર્દીઓની સારવારનો ખર્ચ મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
જીબીએસ એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર હુમલો કરે છે. તે અચાનક નિષ્ક્રિયતા અને સ્નાયુઓની નબળાઇનું કારણ બની શકે છે. તેના લક્ષણોમાં શરીરના વિવિધ અંગોમાં ગંભીર નબળાઇ, લૂઝ મોશન વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં GBS બીમારીનું વધ્યું જોખમ, જાણી લો લક્ષણો અને સારવારની વિગતો?
બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામાન્ય રીતે જીબીએસ તરફ દોરી જાય છે કારણ કે તે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ડોકટરોનું માનવું છે કે દૂષિત પાણી પુણેમાં તાજેતરના જીબીએસના કેસોનું કારણ બને છે.
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ જીબીએસની પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર છે અને મુંબઈમાં હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી છતાં મોટી હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથે પચાસ આઈસીયુ બેડ તૈયાર રાખ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુખ્ય નાગરી હોસ્પિટલોમાં બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે વેન્ટિલેટર સાથે પચાસ આઈસીયુ બેડ તૈયાર રાખ્યા છે, જો જીબીએસના કેસ વધશે તો મહાનગરપાલિકા સંચાલિત સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 વધુ આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
‘આજ સુધી, મુંબઈમાં જીબીએસ નો કોઈ કેસ જોવા મળ્યો નથી અને કોઈ વૃદ્ધિ થઈ નથી. હોસ્પિટલો અને મેડિકલ કોલેજો જરૂરી દવાઓ, સાધનો અને નિષ્ણાતો સાથે તૈયાર છે,’ એમ બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે જાહેર તેમજ ખાનગી સંસ્થાઓને જીબીએસથી સંક્રમિત નવા દર્દીઓ મળી આવે તો એપિડેમિક સેલનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો છે.
બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈમાં જીબીએસના દર્દીઓ હંમેશા ઓછી સંખ્યામાં જોવા મળે છે.
તેમણે નાગરિકોને જીબીએસથી સંક્રમિત હોય તેમને નજીકની પાલિકા હોસ્પિટલોનો સંપર્ક કરવાની અને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી હતી.