મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના લોકાયુક્ત કાયદામાં સુધારાથી આઈએએસ અધિકારીઓ કાર્યક્ષેત્ર હેઠળ આવશે…

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાએ લોકાયુક્ત કાયદામાં સુધારાને મંજૂરી આપી છે જેને પગલે પ્રથમ વખત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારીઓ અને રાજ્ય દ્વારા નિયુક્ત અનેક અધિકારીઓને લોકાયુક્ત હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ગુરુવારે મોડી સાંજે પસાર થયેલા આ સુધારિત બિલ, મહારાષ્ટ્ર લોકાયુક્ત કાયદા, 2023ના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરે છે અને રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલી અસ્પષ્ટતાઓને દૂર કરે છે.આ સુધારા રજૂ કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સુધારિત જોગવાઈઓ લોકાયુક્તની ચકાસણી હેઠળ કયા અધિકારીઓ આવે છે તેની સ્પષ્ટતા કરવા માટે જરૂરી છે.

આ સુધારાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્રીય કાયદાઓ હેઠળ બનાવેલા સત્તાવાળાઓ પર રાજ્ય દ્વારા નિયુક્ત આઈએએસ અધિકારીઓ પણ લોકાયુક્ત હેઠળ આવશે. આનાથી હાલની અસ્પષ્ટતા દૂર થશે,’ એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
આ સુધારાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સંસદીય કાયદાઓ હેઠળ સ્થાપિત વિવિધ બોર્ડ, સત્તાવાળાઓ અને સમિતિઓમાં નિયુક્ત અધિકારીઓને હવે લોકાયુક્ત હેઠળ આવરી લેવામાં આવશે.

અગાઉ, આ અંગે એવી અસ્પષ્ટતા હતી કે આવા અધિકારીઓ લોકાયુક્તના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ રચાયેલા લોકપાલના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.સુધારાઓ મુજબ, આનો હેતુ ફક્ત કેન્દ્રીય કાયદાઓ હેઠળ રાજ્ય દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓનો સમાવેશ કરવાનો છે, જ્યારે ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓને બાકાત રાખવાનો છે, જે લોકપાલના આદેશ હેઠળ આવે છે. આ ફેરફારોનો હેતુ બંને સંસ્થાઓ વચ્ચે ‘અધિકારક્ષેત્રના ઓવરલેપિંગની શંકા દૂર કરવાનો’ છે.

આ બિલ રદ કરાયેલા કેન્દ્રીય કાયદાઓના સંદર્ભોને પણ અપડેટ કરે છે, ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય સંહિતા અને સમાન અપડેટ કરેલા કાયદાઓ સાથે બદલી નાખે છે.સુધારાઓ ચર્ચા વિના મંજૂર કરવામાં આવ્યા હતા. ફડણવીસે કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ કાર્યાલયના ઇનપુટના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા અને સુધારેલા કાયદાને વધુ મંજૂરી માટે પાછા મોકલવાની જરૂર નથી.

આ બિલ હવે સ્પષ્ટપણે આઈએએસ અધિકારીઓને લોકાયુક્તના અધિકારક્ષેત્ર હેઠળ લાવે છે, જોકે કોઈપણ તપાસ માટે મુખ્ય સચિવના મંતવ્યો સાથે મુખ્ય પ્રધાનની મંજૂરીની જરૂર પડશે.પાછલી સરકાર દરમિયાન પસાર થયેલા મૂળ કાયદામાં વર્તમાન કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરુદ્ધ તપાસની મંજૂરી આપવા માટે વિધાનસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે.

પ્રધાનો અને વિધાનસભ્યો વિરુદ્ધ તપાસ માટે રાજ્યપાલ, પ્રધાનોના જૂથ, કાઉન્સિલ અધ્યક્ષ અથવા વિધાનસભા અધ્યક્ષ પાસેથી સમાન મંજૂરીઓ લેવી ફરજિયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેટરો અથવા સરપંચોની તપાસ માટે પણ, લોકાયુક્તે સંબંધિત પ્રધાનની સંમતિ લેવી આવશ્યક બનાવી છે.

આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ફડણવીસ ક્ધટ્રોલ મોડમાં, પ્રધાનોએ કલેક્ટરો સાથેની બેઠક માટે પરવાનગી લેવી પડશે

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button