ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર બાદ ડિટોનેટર્સ, વિસ્ફોટક સામગ્રી કરાઈ જપ્ત
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર બાદ પોલીસે ડિટોનેટર્સ, કેટલીક વિસ્ફોટક સામગ્રી તથા અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી.
ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નિલોત્પલે જણાવ્યું હતું કે બુધવારે સાંજે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે સશસ્ત્રો નક્સલવાદીઓ કાંકેર-નારાયણપુર-ગઢચિરોલી ત્રિજંકશન પર વાંગેતુરીથી સાત કિ.મી. પૂર્વમાં હિદ્દુર ગામમાં છુપાયેલા છે અને તેમનો હેતુ નવી શરૂ કરવામાં આવેલી પોલીસ ચેકપોસ્ટની રૅકી કરવાનો અને વિધ્વશંક પ્રવૃત્તિઓ કરવાનો છે.
આથી ગઢચિરોલી પોલીસના સી-60 યુનિટ (સ્પેશિયલાઇઝ્ડ કોમ્બેટ યુનિટ)ના જવાનોની ટીમને સર્ચ ઓપરેશન માટે ત્યાં મોકલવામાં આવી હતી અને નક્સલવાદીઓએ હિદ્દુર ગામ નજીક રાતના સાત વાગ્યે તેમના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે વળતા જવાબમાં નક્સલવાદીઓ પર ગોળીબાર કરતાં તેઓ જંગલમાં અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બાદમાં એ વિસ્તારમાં તપાસ દરમિયાન પોલીસે કેટલીક વિસ્ફોટક સામગ્રી, ડિટોનેટર્સ, વાયરના બંડલો, આઇઇડી બેટરી, સોલાર પેનલ્સ, નક્સલ સાહિત્ય તથા ‘પિથ્થુસ’ બેગ જપ્ત કર્યા હતા. આ વિસ્તારમાં નક્સલવાદ વિરોધી ઓપરેશન ચાલુ હોવાનું અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)