મહારાષ્ટ્ર

સાસુની નિર્દયતાથી હત્યા કરી ફરાર થયેલી પુત્રવધૂ પરભણીમાં પકડાઈ

મૃતદેહને બૅગમાં ભરી ઠેકાણે પાડવાની યોજના હતી, પણ ભારેખમ શરીર ખસેડી ન શકતાં શબ ઘરમાં જ મૂકી પુત્રવધૂ નાસી ગઈ

જાલના: દીવાલમાં માથું પટકી અને છરીના ઘા ઝીંકી સાસુની નિર્દયતાથી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલી પુત્રવધૂને પોલીસે પરભણીમાંથી પકડી પાડી હતી. હત્યા બાદ શબને ઠેકાણે પાડવા એક બૅગમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ ભારેખમ શરીરને કારણે બૅગ ખસેડી ન શકતાં શબ ઘરમાં જ મૂકી પુત્રવધૂ પલાયન કરી ગઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ નોપાનીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે જાલના જિલ્લામાં બની હતી. આ કેસમાં આરોપી પુત્રવધૂ પ્રતીક્ષા શિંગારે (22)ની બુધવારે પરભણી શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રતીક્ષાનાં લગ્ન છ મહિના અગાઉ લાતુરની ખાનગી કંપનીમાં કામ કરતા આકાશ શિંગારે સાથે થયાં હતાં.

આ પણ વાંચો: જાલનામાં માથે પથ્થર ઝીંકી મહિલાની હત્યા: સગીર પકડાયો

આરોપી પ્રતીક્ષા જાલનાની પ્રિયદર્શિની કોલોનીમાં ભાડેના ઘરમાં સાસુ સવિતા શિંગારે (45) સાથે રહેતી હતી. બન્ને વચ્ચે મંગળવારની રાતે કોઈ વાતે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આરોપીએ સાસુનું માથું દીવાલ સાથે અફાળ્યું હતું. બાદમાં રસોડામાંથી છરી લાવી સાસુ પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હોવાનું સબ-ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર વાઘે જણાવ્યું હતું.
હત્યા બાદ આરોપીએ સવિતાના મૃતદેહને બૅગમાં ભર્યો હતો. મૃતદેહનો નિકાલ કરવાનું તેણે નક્કી કર્યું હતું, પરંતુ ભારે વજનને કારણે તે બૅગ ખસેડી શકી નહોતી. પરિણામે મૃતદેહ ઘરમાં જ છોડી બુધવારની વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આરોપી ફરાર થઈ ગઈ હતી. પરભણીના વતન જવા માટે આરોપીએ ટ્રેન પકડી હતી.

કહેવાય છે કે ઘરમાલિકની નજર બૅગમાં મૂકેલા શબ પર પડતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી પરભણીથી આરોપીને પકડી પાડી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે માથામાં ઇજાને કારણે સવિતાનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button