ટ્રેનમાં યુવકને ચોર સમજી માર મારતા થયું મૃત્યુ
મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશન પર સાઉથ એક્સપ્રેસ ટ્રેનમાં હત્યા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ટ્રેનની જનરલ કંપાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા એક યુવકને લોકોએ ચોર સમજી લીધો હતો. ત્યાર બાદ ચાર લોકોએ તેને ખરાબ રીતે માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં જીઆરપીએ ચાર આરોપીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ એક્સપ્રેસ (12721) હૈદરાબાદથી દિલ્હી જઈ રહી હતી. આ ઘટના નાગપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનના જનરલ કંપાર્ટમેન્ટમાં બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોએ યુવકને મોબાઈલ ચોર સમજીને તેની સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગુરુવારે સવારે 9.15 વાગ્યે બની હતી. મૃતક મુસાફરનું નામ શશાંક રામસિંહ રાજ હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
Also read: રેલવેની જમીન પર અતિક્રમણઃ મંદિર તોડવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ સરકાર કર્યાં ગંભીર સવાલ
ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર આવી રીતે શંકાને કારણે કે પછી કોઇ માથાફરેલ દ્વારા લોકો પર હુમલો કરવાના બનાવો હાલમાં બનવા લાગ્યા છે. ગયા ઑક્ટોબરમાં રેલવે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોર દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં સવારે લગભગ 3.15 વાગ્યે નાગપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પર ટ્રેનની રાહ જોતા સૂઈ રહેલા મુસાફરો પર એક પાગલ વ્યક્તિએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. મૃતકોમાં એક તમિલનાડુનો રહેવાસી હતો. ઘાયલ મુસાફરોમાંથી એક નાગપુરનો હતો જ્યારે બીજો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો હતો. ઘટના બાદ પોલીસે કેસની તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી જયરામ કેવતની ધરપકડ કરી હતી, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે તે માનસિક રીતે બીમાર હતો.