નાગપુરની હિંસામાં ‘આ’ દેશનું કનેક્શન બહાર આવ્યું, સાયબર સેલને મળી મહત્ત્વની લિંક

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાની ભારતભરમાં ચર્ચાઓ થઈ હતી. ઔરંગઝેબની કબરને હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ હિંસા પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે? કોના કહેવાથી નાગપુરમાં લોકો હિંસા પર ઉતરી આવ્યાં? આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન કેટલાક પુરાવા હાથ લાગ્યાં છે. સાયબર સેલની તપાસમાં એવા પુરાવા સામે આવ્યાં છે જેમાં નાગપુર હિંસા પાછળ હવે પડોશી દેશ બાંગ્લાદેશનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નાગપુર હિંસા મુદ્દે હવે પોલીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
યૂઝરે ભવિષ્યમાં મોટા રમખાણોની ધમકી આપી
સાયબર સેલને બાંગ્લાદેશથી ઓપરેટ થયું એક ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું છે. જેમાં નાગપુરમાં મોટા પાયે રમખાણો ભડકાવવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ પોસ્ટ એક બાંગ્લાદેશી યૂઝરે બનાવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘ગયા સોમવારના રમખાણો માત્ર એક ટ્રેલર હતું અને ભવિષ્યમાં મોટા રમખાણો થશે’. પોલીસ હવે આ ફેસબુક એકાઉન્ટની તપાસ કરી રહી છે અને આ એકાઉન્ટ કોણ ચલાવી રહ્યું હતું તે પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
‘મેટા’નો સંપર્ક કરીને આ એકાઉન્ટ બ્લોક કર્યું
સાયબર સેલે કેસમાં કરેલી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે એકાઉન્ટ ચલાવનાર વ્યક્તિ બાંગ્લાદેશનો રહેવાસી છે અને તેણે આ સંદેશ બાંગ્લાદેશથી પોસ્ટ કર્યો હતો. જેથી સાયબર સેલે ફેસબુકનો સંપર્ક કરીને ‘Meta’ને આ એકાઉન્ટને બ્લોક કરવાની અપીલ કરી છે. હિંસા માટે અત્યારે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓને હવા આપવામાં આવતી હોય છે. એના પછી એવી માહિતી પોસ્ટ કરવામાં આવી હતી કે નાગપુરની હિંસામાં ઘાયલ થયેલા લોકોમાંથી બે લોકોનું હોસ્પિટલમાં મોત થયું છે. જો કે, વાસ્તવિકતા આવી નથી, હોસ્પિટલમાં કોઈનું મોત થયું હોય તેવી વિગતો સામે નથી આવી.
આ પણ વાંચો: ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
સેલ દ્વારા 97 પોસ્ટની ઓળખ કરવામાં આવી
આ કેસમાં થયેલી તપાસની વાત કરવામાં આવે તો, સાયબર સેલ દ્વારા 97 આવી પોસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાં અફવાઓને વહેતી કરવામાં આવે છે. નાગપુર શહેર પોલીસે રમખાણોમાં સામેલ લોકોને ઓળખવા અને પકડવા માટે 18 વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 200 લોકોની ઓળખ કરી છે અને બીજા 1,000 શંકાસ્પદને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ શંકાસ્પદો રમખાણો દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. અત્યારે સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.