મહારાષ્ટ્ર

હિંસાના 6 દિવસ બાદ નાગપુરમાંથી કર્ફ્યુ હટાવ્યો, તોફાનીઓ પાસેથી વસૂલાશે નુકસાની

નાગપુર: શહેરમાં હિંસાચારના છ દિવસ બાદ આજે મહારાષ્ટ્રના નાગપુરના બાકીના ચાર વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, સ્થાનિક પોલીસની હાજરીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ રહેશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

17 માર્ચે થયેલી હિંસા બાદ કોતવાલી, ગણેશપેઠ, તહસીલ, લાકડીગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઈમામવાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નાગપુરમાં બે દિવસમાં ત્રણ અલગ અલગ બની હિંસક ઘટનાઃ ડીસીપી પર હિંસક હુમલો

છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં સ્થિત મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે વીએચપી અને બજરંગ દળની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શન દરમિયાન પવિત્ર શિલાલેખોવાળી ‘ચાદર’ સળગાવવામાં આવી હોવાની અફવાઓ વચ્ચે સોમવારે રાત્રે મધ્ય નાગપુર વિસ્તારોમાં હિંસક ટોળાએ તોફાન કર્યું હતું.

આ હિંસામાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રેન્કના ત્રણ અધિકારી સહિત 33 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે હિંસાના સંદર્ભમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે તાજેતરની નાગપુર હિંસા દરમિયાન નુકસાન પામેલી સંપત્તિનો ખર્ચ સરકાર તોફાનીઓ પાસેથી વસૂલ કરશે અને જરૂરી લાગશે તો બુલડોઝર પણ ચલાવશે. જો હિંસાના ગુનેગારો વળતર આપવામાં નિષ્ફળ જશે, તો નુકસાનની વસૂલાત માટે તેમની સંપત્તિ જપ્ત કરી વેચવામાં આવશે. હિંસાચાર દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button