આયાત લખેલી કોઈ પણ ચાદર સળગાવવામાં આવી નથી : દેવેન્દ્ર ફડણવીસ
દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા અંગે વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ પર હુમલો કરનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ભલે તેઓ કબરમાં છુપાયેલા હોય, અમે તેમને કબરમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે નાગપુર હંમેશા શાંતિપ્રિય શહેર રહ્યું છે, 1992ના સાંપ્રદાયિક તણાવ દરમિયાન પણ શહેરમાં કોઈ રમખાણો થયા ન હતા, પરંતુ આ વખતે કેટલાક અસામાજિક તત્વોએ જાણી જોઈને હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે જે ચાદર અંગે વિવાદ ઉભો થયો હતો તેના પર કુરાનની કોઈ પવિત્ર આયાતો લખેલી નહોતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકોએ ખોટી અફવાઓ ફેલાવી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
આપણ વાંચો: ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
પોલીસે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે ખોટા સમાચારને કારણે હિંસા ભડકી હતી. પોલીસ કમિશનર અમિતેશ સિંઘલ અને તેમણે જે પણ માહિતી આપી હતી તે એક જ હતી. આ મુદ્દે પોલીસ અને સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી.
તેમણે વધુમાં કહ્યું કે મેં પોલીસ પ્રશાસનને કડક સૂચના આપી છે કે નાગપુરમાં હિંસા ફેલાવવા માટે જે કોઈ જવાબદાર છે તેને છોડવામાં ન આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે નાગપુરની શાંતિ અને સુમેળને કોઈપણ કિંમતે નુકસાન થવા દેવામાં આવશે નહીં.