મહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે મહાયુતિમાં તિરાડ, એનસીપીના વિધાનસભ્યે કહ્યું- રહેવા દો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દા પર મહાયુતિમાં તિરાડ પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. અજિત પવારની એનસીપી કબર બચાવવાના પક્ષમાં છે અને તેના વિધાનસભ્યે વીએચપી અને બજરંગ દળની ટીકા કરી છે. એનસીપીના વિધાનસભ્ય અમોલ મિટકરીએ કહ્યું હતું કે, ‘આ કબર એ વ્યક્તિનો પુરાવો છે જેની સાથે શિવાજી મહારાજે યુદ્ધ કર્યું હતું અને જેને અહીં દફનાવવામાં આવ્યા છે, તે આપણી બહાદુરીનું પ્રતીક છે.’

અમોલ મિટકરીએ એમ પણ કહ્યું હતું કે, ‘જે લોકો અલ્ટીમેટમ આપી રહ્યા છે, તેમની પાસે કબર દૂર કરવાની શક્તિ નથી.’ મુખ્ય પ્રધાને પોતે જ કહ્યું છે કે કબરની જવાબદારી એએસઆઈની છે. જો કોઈ આવીને કહે કે આપણે તેને તોડી નાખીશું, તો આવું નહીં થાય. ભાઈ થોડી ધીરજ રાખો. ખેડૂતો માટે લડો, તમને ઘણા આશીર્વાદ મળશે.

આપણ વાંચો: ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…

મિટકરીએ એમ પણ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર ખેડૂતોની સમસ્યાનો સામનો કરી રહ્યું છે પરંતુ હિન્દુ સંગઠનો તેના માટે વિરોધ કરી રહ્યા નથી. કાર સેવા કરો પણ ખેડૂતોની સેવા કરવાની હિંમત કેમ નથી? મહારાષ્ટ્રના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. કબર રહેવા દો, પણ ઔરંગઝેબનું મહિમાગાન ન થવું જોઈએ.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં મોગલ શાસક ઔરંગઝેબની કબરને લઈને વિવાદ શરૂ થયો છે.

શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી) એ તેના તમામ પક્ષના નેતાઓ અને કાર્યકરો માટે એક આદેશ જારી કર્યો હતો. પાર્ટીના ઉપાધ્યક્ષ શશિકાંત શિંદેએ સાંગલીમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે એનસીપી (એસપી)ના વડાએ આદેશ આપ્યો છે કે જ્યારે પણ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ફોન પર વાત કરશે, ત્યારે તેઓ ‘હેલો’ ને બદલે ‘જય શિવરાય’ કહીને વાતચીત શરૂ કરશે. શશીકાંત શિંદેએ કહ્યું હતું કે, કારણ કે આપણે બધા શિવાજી મહારાજના માવળા(સૈનિક) છીએ.

આપણ વાંચો: ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન, સરકારે બધાની શ્રદ્ધાનો…

દરમિયાન, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબની કબરના મુદ્દા પર શનિવારે સત્તાધારી શિવસેનાના નેતાઓ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના જૂથ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે આ મકબરાની હાજરી એ વાતની યાદ અપાવે છે કે મોગલ સમ્રાટને અહીં પરાજિત કરીને દફનાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, ‘આપણે આપણી ભાવિ પેઢીઓને કહી શકીએ કે ઔરંગઝેબ અહીં આવ્યો હતો અને આ ભૂમિ પર દફનાવવામાં આવ્યો હતો.’ એમ દાનવેએ કહ્યું કે કબરને દૂર કરીને આ ઇતિહાસને સમાપ્ત કરવાનું કાવતરું હતું. તેમણે કબર હટાવવાની માંગ કરનારાઓ પર કટાક્ષ કરતા કહ્યું, ‘જો તમારામાં હિંમત હોય તો જાઓ અને તે કરીને દેખાડો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button