કોવિડ સેન્ટર કૌભાંડ: રાઉતના સાથી સુજિત પાટકરના જામીન કોર્ટે નકાર્યા

મુંબઈ: કોવિડ સેન્ટર કૌભાંડ કેસમાં વિશેષ અદાલતે આજે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના બહુ નજીકના સાથી ગણાતા બિઝનેસમેન સુજિત પાટકરને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે તેણે ડૉક્ટરો અને સ્ટાફની વ્યવસ્થા કરવાની આડમાં લોકોના જીવન સાથે રમત રમી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે પાટકરે રાજકીય વ્યક્તિ સાથેની નિકટતાનો લાભ લઇને તેની પાર્ટનરશિપ કંપની લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટે કોરોના મહામારી વખતે દહીસર અને વરલી જમ્બો કોવિડ સેમ્ટરમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પૂરા પાડવા માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના નજીકના સાથીની મુખ્ય ભૂમિકા : ઇડીની ચાર્જશીટમાં આરોપ
અધૂરા અને ખોટા રેકોર્ડના આધારે મેળવેલા ટેન્ડર દ્વારા તેની કંપનીએ પાલિકા પાસેથી વારંવાર પૈસા પડાવ્યા હતા અને લાઇફલાઇન હૉસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસને ૩૪.૪૪ કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જેમાંથી ૨.૮૧ કરોડ પાટકરે પોતાના ખાનગી બૅંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિશેષ અદાલતે નોંધ્યું હતું કે મહામારીમાં કોઇ પણ વ્યક્તિ આગળ આવીને લોકોની મદદ કરે તેની જરૂર હતી.
કોર્ટે કહ્યું હતું કે અરજદાર અને તેના પાર્ટનરે લોકોના જીવ બચાવવાના બહાને અપરાધી કાવતરું રચ્યું હતું તથા ડોક્ટરો અને સ્ટાફ પૂરા પાડવાને બહાને લોકોના જીવ સાથે રમત રમી હતી. પાલિકાની સાથે છેતરપિંડી કરવા માટે ખોટા બિલ અને વાઉચર્સ બનાવ્યા હતા.