
પુણે: જન્મદિનની ઉજવણી રસ્તા પર કરવાને મામલે થયેલા વિવાદમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુણેમાં બનેલી ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે પુણે પાસેના પિંપરી ચિંચવડમાં દેહુ રોડ ખાતે બની હતી. ફરિયાદી નંદકિશોર યાદવના ભત્રીજાનો જન્મદિન રસ્તાને કિનારે ઊજવવામાં આવી રહ્યો હતો.
કહેવાય છે કે બે બાઈક પર ત્રણથી ચાર યુવાન ગલીમાંથી આવ્યા હતા. જાહેર સ્થળે જન્મદિનની ઉજવણી કરવા બદલ આરોપીઓએ વાંધો ઉઠાવ્યો હતો.
આપણ વાંચો: નાંદેડમાં ગુરુદ્વારા નજીક ગોળીબાર: હત્યાકેસના દોષિત સહિત બે ઘાયલ…
દેહુ રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી યાદવે આરોપીઓને ત્યાંથી રવાના થવાનું કહ્યું હતું, જેને પગલે વિવાદ થયો હતો. વાત ઝપાઝપી સુધી પહોંચતાં એક આરોપીએ યાદવના ચહેરા પર ખુરશી મારી હતી.
યાદવનો મિત્ર વિક્રમ ગુરુસ્વામી રેડ્ડીએ મારામારીમાં મધ્યસ્થી કરતાં એક આરોપીએ ગોળીબાર કર્યો હતો, જેમાં રેડ્ડી ગંભીર રીતે ઘવાયો હતો. જખમી રેડ્ડીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ થઈ હતી. પોલીસ આરોપીઓની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)