મહારાષ્ટ્ર

રત્નાગિરીના કેમિકલ પ્લાન્ટમાં ઇટાલિયન કંપનીની વિવાદાસ્પદ મશીનરી? રોહિત પવારના ગંભીર આક્ષેપ

પુણે: મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં તાજેતરમાં સ્થાપિત કરવામાં આવેલા એક કેમિકલ પ્લાન્ટની મશીનરી સ્વાસ્થ્ય માટે જોખમી ગણાતા પીએફએએસ તરીકે ઓળખાતા સિન્થેટિક રસાયણો સાથે જોડાયેલી એક વિવાદાસ્પદ ઇટાલિયન કંપની પાસેથી ખરીદવામાં આવી હતી અને તે હવે આ મશીનરીને કારણે દરરોજ એ જોખમી સંયોજનો ઉત્સર્જન કરી રહી છે એવો દાવો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)ના વિધાન સભ્ય રોહિત પવારે કર્યો છે.

જોકે, રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે મુંબઈથી 225 કિમી દૂર દક્ષિણમાં લોટે પરશુરામ ગામમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) વિસ્તારમાં લક્ષ્મી ઓર્ગેનિક કેમિકલ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્લાન્ટમાં જોખમી માનવામાં આવતા રસાયણોનું ઉત્પાદન નથી થઈ રહ્યું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પરની એક પોસ્ટમાં પવારે દાવો કર્યો હતો કે ઇટાલિયન કંપની મિટેની દ્વારા છોડવામાં આવેલા પીએફએએસ રસાયણોથી એક જળાશય દૂષિત થયું હતું અને એના કારણે ઈટલીના વિસેન્ઝા વિસ્તારમાં ત્રણેક લાખ લોકોને અસર થઈ હતી.

વધુ જાણકારી આપતા પવારે કહ્યું હતું કે ‘ત્યાંના નાગરિકોએ વિરોધ કર્યો અને કંપની બંધ કરવી પડી હતી. એ બંધ થયેલી કંપનીની મશીનરી લક્ષ્મી ઓર્ગેનિક દ્વારા ખરીદીને રત્નાગિરિ એમઆઈડીસીમાં બેસાડવામાં આવી હતી. આ પ્લાન્ટમાંથી હાનિકારક પીએફએએસ બહાર પડી રહ્યા છે. ભારતમાં પીએફએસ રસાયણોનું નિયમન કરતા ચોક્કસ કાયદા નથી એવી પરિસ્થિતિમાં આવા જોખમી ઉદ્યોગને પરવાનગી શા માટે આપવામાં આવી.

પીએફએએસ કૃત્રિમ રસાયણોનું ગ્રુપ છે જેનો ઉપયોગ વ્યાપકપણે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થાય છે. જોકે, આ રસાયણો પર્યાવરણને પ્રદૂષિત કરી કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય વિકૃતિઓ માટે જવાબદાર ઠરી શકે છે.

દરિયાકાંઠાના જિલ્લાના પાલક પ્રધાન અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતએ જણાવ્યું હતું કે કોંકણ ક્ષેત્રમાં કોઈ પણ જોખમી પ્રોજેક્ટને આવવા નહીં દેવાય. મીડિયા રિપોર્ટ્સ વાંચ્યા પછી તેમણે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી માહિતી માંગી હતી, અને તેમને જાણ કરવામાં આવી હતી કે પ્લાન્ટમાં અત્યાર સુધી આ વિવાદાસ્પદ રસાયણનું ઉત્પાદન નથી થયું.

ઈટાલિયન કંપની પાસેથી ખરીદવામાં આવેલી મશીનરીને એમપીસીબી તરફથી જરૂરી મંજૂરી મળી હતી કે નહીં એ અમે ચકાસી રહ્યા છીએ અને મીડિયા રિપોર્ટ્સ બાદ એમપીસીબીએ કંપનીને નોટિસ ફટકારી હતી.
(પીટીઆઈ)

આ પણ વાંચો…પીડબ્લ્યુડી કર્મચારી દ્વારા 111 કરોડ રૂપિયાની ઉચાપતની કોશિષની તપાસ કરાવો: રોહિત પવાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button