CM પદનો ચહેરો બનવાનું ઉદ્ધવનું સપનું રોળાયું, આ નેતાએ ચર્ચા પર મૂક્યું પૂર્ણવિરામ?
મુંબઈ: ગયા અઠવાડિયે દિલ્હી જઇને કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની મુલાકાત લેનારા ઉદ્ધવ ઠાકરેની સત્તાધારી પક્ષ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી અને મુખ્ય પ્રધાન બનવા માટે ઉદ્ધવ હવાંતિયા મારી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દે હવે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષના નેતાઓએ પણ પોતાનું મૌન તોડ્યું છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતાએ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનનો ચહેરો નહીં જ બનાવાય તેમ સ્પષ્ટપણે જણાવી દીધું છે. આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાનના વિષય પર દિલ્હી જઇને મહોર મરાવવાની ઉદ્ધવને શું જરૂર પડી? લોકસભાની ચૂંટણીમાં તેમની(ઉદ્ધવ ઠાકરે-શિવસેનાની) કામગીરી સંતોષજનક રહી નહોતી. એ બાબતે તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઇએ. અમને પૂછ્યું હોત તો અમે તેમને જણાવી દેત. ઉમેદવારીની પસંદગી બાબતે શું ભૂલ થઇ તે અમે જણાવી દેત. શું એ માટે તે દિલ્હી ગયા હતા? મને તો આશ્ર્ચર્ય થયું. કારણ કે જે માગણી તે કરી રહ્યા છે તે પૂરી નહીં થાય.
આ પણ વાંચો : અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની પરંપરા જળવાશે
વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ કોઇને પણ મુખ્ય પ્રધાનનો ચહેરો નથી બનાવતી એમ કહેતા ચવ્હાણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ તરીકે જ્યારે કૉંગ્રેસ ચૂંટણી લડે છે ત્યારે મહારાષ્ટ્રમાં જ નહીં, કોઇપણ રાજ્યમાં મુખ્ય પ્રધાન પદનો ચહેરો જાહેર નથી કરતી. આ કૉંગ્રેસની પરંપરા રહી છે. મુખ્ય પ્રધાન ચૂંટણી લડતા હોય ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે. કમલનાથ અને અશોક ગહેલોતના નેતૃત્વમાં જ અમે ચૂંટણીઓ લડી હતી. જોકે, વિરોધ પક્ષ તરીકે ચૂંટણી લડીએ ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે અને જે સૌથી મોટો પક્ષ બને તેનો જ મુખ્ય પ્રધાન બનાવાય છે.
અમને કોઇ ફાયદો નહીં
મુખ્ય પ્રધાન પદના ચહેરાની માગણી કૉંગ્રેસ ક્યારેય માન્ય નહીં કરે. તેનાથી અમને કોઇ જ ફાયદો નહીં થાય. સહાનુભૂતિનો જે વિષય હતો તે હવે પૂરો થઇ ગયો છે. તેનાથી કેટલો ફાયદો થયો અમને ખબર નથી. લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પણ તેમણે આવી માગણી કરી તેનું મને આશ્ર્ચર્ય થાય છે. શા માટે માગણી કરી તેનો ખ્યાલ નથી આવતો, તેમ ચવ્હાણે જણાવ્યું હતું.