લોકશાહીમાં સંતુલન જરૂરી છે, એનસીપીના નેતાની પક્ષ પલટાની ઓફર પર કોંગ્રેસના વિધાનસભ્ય દેશમુખનો જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાતુરના એનસીપીના વિધાનસભ્યે કોંગ્રેસના વિધાનસભ્ય અમિત દેશમુખને પ્રધાન તરીકે જિલ્લામાં પોતાના કામ ચાલુ રાખવા માટે પક્ષ બદલવાની વિનંતી કરી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં સંતુલન જરૂરી છે.
દેશમુખ શુક્રવારે સાંજે ચાર દિવસના લાતુર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન વિલાસરાવ દેશમુખ ફાઉન્ડેશન દ્વારા પુણે ફિલ્મ ફાઉન્ડેશન અને મહારાષ્ટ્ર સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન અજિત પવારની આગેવાની હેઠળના પક્ષના વિધાનસભ્ય વિક્રમ કાળેએ હળવાશથી દેશમુખને સત્તાધારી પક્ષમાં જોડાઈ જવા અને પ્રધાન તરીકેના તેમના કામોને ચાલુ રાખવાની વિનંતી કરી હતી.
આપણ વાંચો: અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસના ડેપ્યુટી લીડર બનાવાયા
કોંગ્રેસના નેતાએ જવાબ આપતાં કહ્યું હતું કે, ‘જો દરેક વ્યક્તિ શાસક પક્ષમાં જોડાઈ જશે, તો લોકશાહી વ્યવસ્થા સંતુલન ગુમાવી દેશે. અને તે એવી વસ્તુ છે જે આપણામાંથી કોઈને પરવડી શકે તેમ નથી. તેથી, આપણે જ્યાં છીએ ત્યાં જ રહીશું અને વિરોધ પક્ષમાં આપણી ભૂમિકા ભજવતા રહીશું.
જો ઘણા લોકો માને છે કે શાસક પક્ષ મજબૂત થઈ રહ્યો છે, તો તેઓ પક્ષ બદલી શકે છે, પરંતુ અમે અમારું વલણ જાળવી રાખવા અને સિદ્ધાંતો પ્રત્યે જોડાઈ રહેવા માટે તૈયાર છીએ.’
આ પ્રસંગે બોલતાં રાજ્યના પ્રધાન બાબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે લાતુરમાં વિકાસની ગતિને ટકાવી રાખવાની સાથે, રાજકીય જોડાણોને બાજુ પર રાખીને, જિલ્લાના અનુકરણીય સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમતના વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
રાજ્યના સહકારખાતાના પ્રધાને કહ્યું હતું કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને અન્ય અગ્રણી નેતાઓના વારસાએ લાતુરને પ્રગતિના માર્ગ પર રાખ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય અમિત દેશમુખ તેમના પિતાના વારસાને ખૂબ જ કાર્યક્ષમતા સાથે આગળ ધપાવી રહ્યા છે અને વિવિધ યોજનાઓ અને કાર્યોનો અમલ કરવાનું ચાલુ રાખ્યું છે.
રાજ્યના પ્રધાન તરીકે, પાટીલે રાજકીય મતભેદોને બાજુ પર રાખીને, તેમના સંપૂર્ણ સમર્થન અને સહકારની ખાતરી આપી.