મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ જ મોટો ભાઈ? વધુ એક ફોર્મ્યુલા આવી સામે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીના મુદ્દે અનેક અટકળો સામે આવી રહી છે. ભાજપને સત્તાવિહિન કરવા માટે ઘડી કાઢવામાં આવેલી ઈન્ડિયા આઘાડીના રાજ્યના અંશ મહાવિકાસ આઘાડીમાં છેલ્લા બે અઠવાડિયાથી લોકસભાની બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અનેક ફોર્મ્યુલા સામે આવ્યા, પરંતુ હજી સુધી દરેક ફોર્મ્યુલા નકારી કાઢવામાં આવ્યા છે. હવે શનિવારે સવારે નવો એક ફોર્મ્યુલા સામે આવ્યો છે, જેમાં કૉંગ્રેસ જ રાજ્યમાં મોટા ભાઈની ભૂમિકામાં રહેશે એવું લાગી રહ્યું છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે 23 બેઠક પર દાવો માંડ્યો હતો, બીજી તરફ કૉંગ્રેસ 27 બેઠક પર લડવાની ઈચ્છા ધરાવે છે. રાજ્યમાં ત્રણથી ચાર પક્ષ વચ્ચે સમતુલા જાળવવાની હોવાથી આ શક્ય જણાતું નથી. આ બધા વચ્ચે શનિવારે જે ફોર્મ્યુલા સામે આવી છે તેમાં કૉંગ્રેસ 22 બેઠક પર ચૂંટણી લડશે. શિવસેના (યુબીટી)ને 18 બેઠકો આપવામાં આવશે. એનસીપી માટે છ બેઠકો છોડવામાં આવશે, જ્યારે વંચિત બહુજન આઘાડીને બે બેઠકો ફાળવવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે વંચિત બહુજન આઘાડીએ શુક્રવારે જ ચારેય પાર્ટીઓ બાર-બાર બેઠકો પર ચૂંટણી લડે એવો સમાન સ્તરનો ફોર્મ્યુલા આપ્યો હતો, જેને અસ્વીકાર કરી નાખવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે શિવસેના આ પ્રસ્તાવને મંજૂર રાખે છે કે નહીં?
અમારા તરફથી આઘાડીમાં અવરોધ ઊભો નહીં કરાય: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે અમારી બેઠકોની વહેંચણી સરળતાથી પાર પડશે. એનસીપી અને અમારી ચર્ચા વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. આવી જ રીતે ખર્ગે અને રાહુલ સાથે ચર્ચા થઈ છે. અહીં જે અહેવાલો ફરી રહ્યા છે તેના પર ધ્યાન આપશો નહીં. આવો કોઈ સંદેશ મને કૉંગ્રેસ શ્રેષ્ઠીઓ પાસેથી હજી સુધી આવ્યો નથી. મારા તરફથી આઘાડીમાં કોઈ અવરોધ ઊભો કરવામાં આવશે નહીં. આથી જ જ્યાં સુધી કૉંગ્રેસના પ્રમુખ બોલશે નહીં ત્યાં સુધી અમારા તરફથી આ મુદ્દે કોઈ નિવેદન કરવામાં આવશે નહીં.
વંચિત આઘાડીનો સમાવેશ મહાવિકાસમાં કરવામાં આવશે કે નહીં એવો સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે વંચિત સાથે અમારી ચર્ચા ચાલુ છે. એનસીપી સાથે અમારી સમજૂતી થઈ ગઈ છે. વંચિત સાથે પણ થઈ જશે. અત્યારે મુખ્ય વસ્તુ દેશ બચવો જોઈએ એ જ છે. લોકશાહી બચવી જોઈએ. આને માટે બધાએ એક સાથે પ્રયાસ કરવાની આવશ્યકતા છે, એમ તેમણે કહ્યું હતું.