મુખ્ય પ્રધાન ફડણવીસની ચૂંટણીની જીતને કોર્ટમાં પડકારવામાં આવી, શું તેઓ ગુમાવશે ખુરશી?
મુંબઇઃ તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયો હતો અને રાજ્યમાં મહાયુતિની સરકાર બની છે. મહાયુતિએ કુલ 288 બેઠકોમાંથી 230 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. ભાજપે 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો તત્કાલિન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો જીતી હતી, અને તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 41 બેઠકો જીતી હતી.
મહા વિકાસ આઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ 20 બેઠકો જીતી, કોંગ્રેસને 16 બેઠકો મળી હતી અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) માત્ર 10 બેઠકો પર જીતી હતી. વિધાન સભાની ચૂંટણીના પરિણામોને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે, પણ વિપક્ષ પોતાની હારને પચાવી નથી શક્યો. તેણે મહાયુતિની જીતનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમણે ઇવીએમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેમને ઉંધા હાથની ખાવી પડી હતી. વિપક્ષે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવવાનું શરૂ કર્યું અને જનતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. એવામાં કૉંગ્રેસ તો એક ડગલું આગળ વધીને બોમ્બે હાઇ કોર્ટ સુધી પહોંચી ગઇ છે.
આ પણ વાંચો: ભાજપના મહારાષ્ટ્ર એકમનું પાંચમી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન: 25 લાખ નવા સભ્યોનું ટાર્ગેટ
કોંગ્રેસના નેતા પ્રફુલ્લ વિનોદરાવ ગુડ્ઘે બોમ્બે હાઈકોર્ટ પહોંચી ગયા છે. કૉંગ્રેસના નેતા પ્રફુલ્લ વિનોદરાવ ગુડ્ધેએ શનિવારે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જીતમાં પ્રક્રિયાગત ક્ષતિઓનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિધાન સભાની ચૂંટણીમાં ઘણી ફરજિયાત જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નહોતું, તેથી તેમણે કોર્ટને ચૂંટણીના પરિણામોને રદ કરવા વિનંતી કરતી અરજી કરી છે. નોંધનીય છે કે ગયા વર્ષે થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ગુડ્ધેને નાગપુર દક્ષિણ-પશ્ચિમ મતવિસ્તારમાંથી ફડણવીસ સામે ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમનો 39,710 મતોથી પરાજય થયો હતો.
આ પણ વાંચો: ખરેખર મુખ્ય પ્રધાનના વખાણ કે પછી મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાશે?
અમરાવતી જિલ્લાના તિવસા મતવિસ્તારના ઉમેદવાર અને પૂર્વ મંત્રી યશોમતી ઠાકુર ઉપરાંત દક્ષિણ નાગપુરના ઉમેદવાર ગિરીશ પાંડવ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર શિંગણે, સુભાષ ધોટે, શેખર શેંડે, સંતોષ સિંહ રાવત, સતીશ વરજુરકર ઉપરાંત એનસીપીના એક નેતાએ પણ કોર્ટમાં આવી જ અરજી કરી છે. (યશોમતી ઠાકુર તિવસા બેઠક પરથી હારી ગયા હતા)
વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઘણા મોટા નેતાઓ પરાજિત થયા છે, જેમાં બાળાસાહેબ થોરાત અને યશોમતી ઠાકુરનો સમાવેશ થાય છે. આ બંને નેતા પહેલી ચૂંટણી પછી ક્યારેય હાર્યા નથી. તેથી, ઘણા લોકો ચૂંટણીના પરિણામો પર શંકા કરે છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની ભવ્ય જીતથી વિપક્ષોમાં એવો હોબાળો મચ્યો છે કે સરકાર સત્તામાં આવ્યાના એક મહિના પછી પણ વિપક્ષ આ જીતને પચાવી શક્યો નથી અને આ જીતનો જોરદાર વિરોધ કરી રહ્યો છે. હવે કૉંગ્રેસના નેતા ગુડઘેએ હાઇ કોર્ટ તરફ રૂખ કરવાને કારણે દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીઓ વધી શકે છે અને તેમની ખુરશી પણ છિનવાઇ શકે છે.