‘20 વર્ષ સ્મારક માટે જમીન ન આપી’, આંબેડકરને મુદ્દે કોંગ્રેસ પર ફડણવીસના અનેક મોટા આરોપો
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનને અડધું કાપીને તેના પર રાજકારણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે અમિત શાહના આખા નિવેદનને અડધું કાપીને સંસદનો સમય બગાડવા બદલ માફી માંગવી જોઈએ અને ખોટી વાતો ફેલાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સંસદમાં કોંગ્રેસનો પર્દાફાશ કર્યો તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસે હંમેશા બંધારણનું અપમાન કર્યું છે, અનામતનો વિરોધ કર્યો છે અને તેના નેતાઓએ દેશને બરબાદ કર્યો છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ કોંગ્રેસનો જૂનો ઈતિહાસ છે.’
‘કોંગ્રેસે હંમેશા બાબાસાહેબને નકાર્યા છે.’
ફડણવીસે કહ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીએ હંમેશા ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને નકારી કાઢ્યું હતું અને તેમનું અપમાન કર્યું હતું. ‘આ એ જ કોંગ્રેસ છે, જેણે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું. તેમને સંસદમાં ચૂંટાતા અટકાવ્યા અને તેમના સંઘર્ષને ફગાવી દીધો હતો. કોંગ્રેસ સરકારે 20 વર્ષ સુધી બાબાસાહેબના મહાપરિનિર્વાણ સ્થળ માટે જમીન આપી નહોતી. આને માટે વિરોધ કરવો પડ્યો, પરંતુ કોંગ્રેસ સરકારે 1 ઇંચ પણ જમીન ન આપી, પરંતુ વડાપ્રધાન મોદીની સરકાર આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં 2000 કરોડ રૂપિયાની જમીન ફાળવવામાં આવી, જેથી બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવી શકાય.’
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં મહુ, દીક્ષાભૂમિ અને અન્ય સ્થળોએ બાબાસાહેબ આંબેડકરના સ્મારકો માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જ્યાં સુધી ડો. આંબેડકરના લંડનમાં તેમના ઘરની વાત છે, જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો, કોંગ્રેસે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ અમારી સરકારે તે ઘર ખરીદ્યું અને તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કર્યું, જેથી તેમની યાદોને સાચવી શકાય.’ ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, ‘કોંગ્રેસનો ઈતિહાસ બાબાસાહેબ આંબેડકરના યોગદાનને નકારવાનો ઈતિહાસ છે, જ્યારે ભાજપનો ઈતિહાસ તેમને માન આપવાનો અને બંધારણની સાથે ઉભા રહેવાનો છે. અમે હંમેશા ડો. આંબેડકરના યોગદાનને માન આપીશું અને તેમને બચાવીશું.’