લાડકી બહેનોને 2100 રૂપિયાનો નિર્ણય મુખ્ય પ્રધાન યોગ્ય સમયે કરશે: અદિતિ તટકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સરકારે મોટી સફળતા મેળવી હતી. આ સંદર્ભમાં, સરકાર સત્તામાં આવ્યા પછી લાડકી બહેનોને આપેલું વચન ક્યારે પૂર્ણ થશે? એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં મહાયુતિએ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળનો હપ્તો 1,500 રૂપિયાથી વધારીને 2,100 રૂપિયા કરવાનું વચન આપ્યું હતું.
જોકે, આ રકમમાં હજુ સુધી વધારો કરવામાં આવ્યો ન હોવાથી, ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ આ અંગે બુધવારે વિધાનસભામાં નિવેદન કર્યું હતું.
આપણ વાંચો: લાડકી બહેનોને ઠેંગો: 2,100 રૂપિયા આપવાની કોઈ વાત જ નથી: સરકાર
લાડકી બહેન યોજના અંગે વિપક્ષે કેટલીક મહિલા લાભાર્થીઓને બાકાત રાખવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે અદિતિ તટકરેએ આનો જવાબ આપ્યો હતો કે, ‘જ્યારે લાડકી બહેન યોજના અંગેનો સરકારી આદેશ (જીઆર) જારી કરવામાં આવ્યો હતો, ત્યારે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો લાભાર્થી મહિલાઓને અન્ય કોઈપણ યોજનામાંથી 1,500 રૂપિયાથી વધુનો નાણાકીય લાભ મળી રહ્યો હોય, તો લાડકી બહેન યોજનામાં તેમને આર્થિક લાભ મળશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
‘નમો શેતકરી મહિલા યોજના હેઠળ મહિલાઓને 1000 રૂપિયાનો લાભ મળે છે. સરકારના નિર્ણય મુજબ, દરેક પાત્ર મહિલાને સરકાર તરફથી ઓછામાં ઓછા રૂ. 1,500 નો લાભ મળવો જોઈએ. તે મુજબ, નમો શેતકરી મહિલા યોજનાના લાભાર્થીઓને તે યોજનામાંથી 1000 રૂપિયા અને લાડકી બહેન યોજનામાંથી 500 રૂપિયા આપવામાં આવ્યા છે.
તેથી આ મહિલાઓને યોજનામાંથી બાકાત રાખવામાં આવી એમ કહી શકાય નહીં. 20 થી 25 લાખ મહિલા લાભાર્થીઓને બાકાત રાખવામાં આવી હોવાના આંકડા ખોટા છે,’ એમ અદિતિ તટકરેએ કહ્યું હતું.
આપણ વાંચો: લાડકી બહેનોને વધુ એક ગિફ્ટ, હોળીમાં મળશે સાડી
આ દરમિયાન, શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈએ લાડકી બહેન યોજના અંગે વિધાનસભામાં ત્રણ પ્રશ્ર્નો ઉપસ્થિત કર્યા હતા. ‘આ યોજના અંગે મારા ત્રણ પ્રશ્ર્નો છે.
પ્રથમ, ચૂંટણી પહેલા જ્યારે યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે કેટલા લાભાર્થીઓ હતા? બીજું, બધા માપદંડ ચૂંટણી પછી નક્કી કરવામાં આવ્યા હતા, તો ચોક્કસ કેટલી મહિલા લાભાર્થીઓને ગેરલાયક ઠેરવવામાં આવી છે? અને ત્રીજું, શું તમે સરકારે કહ્યું છે તેમ મહિલાઓને 2,100 રૂપિયા આપવાના છો કે નહીં?
અદિતિ તટકરેએ વરુણ સરદેસાઈ દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબ આંકડા રજૂ કરીને આપ્યા. ઓક્ટોબર 2024માં, આચારસંહિતા પહેલાં લાડકી બહેન યોજનાના 2.33 કરોડ મહિલા લાભાર્થીઓ હતા. જ્યારે અમે ફેબ્રુઆરીમાં હપ્તો ચૂકવ્યો ત્યારે લાભાર્થી મહિલાઓની સંખ્યા 2.47 કરોડથી વધુ હતી. આનો અર્થ એ થયો કે હવે મહિલા લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, એમ અદિતિ તટકરેએ જણાવ્યું હતું.