વિપક્ષને બંધારણ અને લોકશાહીમાં વિશ્વાસ નથી: પ્રધાનોના શપથવિધિ પહેલા ફડણવીસનું મોટું નિવેદન
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનોના શપથવિધિમાં હાજરી આપવા માટે નાગપુર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ આ તેમની પ્રથમ નાગપુર મુલાકાત છે. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમના પર બંધારણમાં વિશ્ર્વાસ ન હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
નાગપુર મારો પરિવાર
પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા આયોજિત સ્વાગત સમારોહ માટે ફડણવીસ નાગપુર પહોંચ્યા હતા. ફડણવીસે નાગપુર એરપોર્ટ પર પત્રકારોને કહ્યું, આ ખુશીની ક્ષણ છે કે મુખ્ય પ્રધાન બન્યા બાદ હું મારા જન્મસ્થળ અને કાર્યસ્થળ પર આવ્યો છું. નાગપુર મારો પરિવાર છે અને મારો પરિવાર મારું સ્વાગત કરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી હતી. માત્ર 46 બેઠકો જીતનાર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન મહા વિકાસ આઘાડી (એમવીએ) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગેરરીતિનો આરોપ લગાવી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થયો અને ઠંડી વધી
વિપક્ષના લોકો હતાશ થયા
જ્યારે વિપક્ષ દ્વારા ઈવીએમના મુદ્દાને આક્રમક રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું હતું કે, આ લોકો (વિપક્ષ) હતાશ છે. તેમને લોકશાહી અને ચૂંટણી પંચ પર વિશ્ર્વાસ નથી. તેમને સુપ્રીમ કોર્ટ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પર વિશ્ર્વાસ નથી. તેથી, તેઓ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણમાં માનતા નથી.
મુખ્ય પ્રધાને નાગપુર એરપોર્ટથી ધરમપેઠ સ્થિત તેમના નિવાસસ્થાન સુધી વિશાળ રેલીમાં ભાગ લીધો હતો. રેલીના રૂટ પર તેમના ફોટાવાળા મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા.