મને મારા પ્રધાનપદની ચિંતા નથી : છગન ભુજબળનો સંભાજીરાજે પર પલટવાર
જાલનાના અંબડ ખાતે ‘ઓબીસી આરક્ષણ બચાવ એલ્ગાર સભા’ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના પ્રધાન છગન ભુજબળે મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલ પર ટીકા કરી હતા. મરાઠા આરક્ષણ મુદ્દે ટીકા કરવા અંગે પૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિએ છગન ભુજબળ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને રાજ્ય સરકાર પાસે તેમને પ્રધાન પદ હટાવવાની માંગણી કરી હતી. સંભાજીરાજેની ટીકાનો જવાબ આપતા ભુજબળે ઇગતપુરીમાં એક સભાને સંબોધતી વખતે કહ્યું મને ધારાસભ્ય અને પ્રધાનપદની ચિંતા નથી.
સંભાજી રાજે છત્રપતિએ ટ્વીટ કરતાં લખ્યું કે છગન ભુજબળ રાજ્યના સામાજિક સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરી રહ્યા છે. સામાન્ય ઓબીસી ભાઈઓ મરાઠા સમુદાયનો વિરોધ નથી કરી રહ્યા ત્યારે માત્ર પોતાની રાજકીય સ્થિતિ જાળવી રાખવા માટે બે સમુદાયો વચ્ચે અસ્તિત્વમાં ન હોય તેવા ઝગડાની સ્થિતિને ઉશ્કેરવાનું પાપ તેઓ કરી રહ્યા છે. જો સરકારમાં કોઈ પ્રધાન ખુલ્લેઆમ પોતાની જુદી ભૂમિકાને લીધે સાંપ્રદાયિક તણાવ પેદા કરતા હોય તો શું સરકાર પણ આજ ભૂમિકા લઈ રહી છે? તેની સ્પષ્ટતા થવી જોઈએ અન્યથા છગન ભુજબળને મંત્રી પદેથી હટાવી દેવા જોઈએ.
સંભાજી રાજેના આ વાતનો જવાબ આપતા ભુજબળે કહ્યું હું સંભાજીરાજે છત્રપતિનું સન્માન કરું છું. તેઓ આપણા હૃદયમાં પછાત વર્ગ માટે લડનારા રાજર્ષિ શાહુ મહારાજ છે. તમે શાહુ મહારાજની ગાદી પર બેઠા છો. તમે કોઈ સમુદાયના નથી, પરંતુ બધાના છો. તો પછી, તમે કોઈ એક સમુદાયની તરફેણમાં કેવી રીતે બોલી શકો? મરાઠા આરક્ષણ બાબતમાં સંભાજી રાજેએ પડવું ન જોઈએ. સંભાજી રાજે એવો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈતો હતો કે દરેકને અકબંધ રાખવો જોઈએ અને કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ. શું મેં બીડમાં ઘરો સળગાવી દીધા? ત્યારે તેઓ મૌન હતા. તમારે બીડમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા જવું જોઈતું હતું. મને ધારાસભ્ય અને મંત્રીપદની ચિંતા નથી.
તમે રાજ્યના રાજા છો. તો બધાને ન્યાય આપો. અન્યાય ન થાય તેનું ધ્યાન રાખો. આવી અપીલ ભુજબળે સંભાજી રાજે છત્રપતિને કરી હતી.