
નાગપુર: લોખંડના ટીએમટી (થર્મો-મેકેનિકલી ટ્રીટેડ) સળિયાઓના વ્યવસાયમાં સારા નફાની લાલચ બતાવી વ્યાવસાયિક સાથે ચાર કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે એકની ધરપકડ કરી હતી અને તેના સાથીની શોધ હાથ ધરી હતી.
નાગપુરના કલમના પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી મેથી ડિસેમ્બર, 2024 દરમિયાન થઈ હતી. આ પ્રકરણે સૈયદ ફરહાન સૈયદ ફિરોઝે (30) નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મેડિકલ કૉલેજમાં પ્રવેશને નામે બે જણ સાથે 77.61 લાખની છેતરપિંડી: છ સામે ગુનો
પોલીસ ફરિયાદ અનુસાર યવતમાળમાં રહેતો વ્યાવસાયિક ફિરોઝ બે આરોપી મુર્તુજા યુસુફ શાકીર (42) અને શિરીન શાકીર (69)ના સંપર્કમાં આવ્યો હતો. બન્ને આરોપીએ પોતાની ઓળખ વેપારી તરીકે આપી હતી અને ટીએમટી સળિયા બજારભાવ કરતાં ઓછી કિંમતે આપવાની ખાતરી આપી ફરિયાદીનો વિશ્ર્વાસ કેળવ્યો હતો.
આરોપીઓએ શરૂઆતમાં ડિસ્કાઉન્ટ રેટમાં મટીરિયલ સપ્લાય કર્યું હતું. બાદમાં લોખંડના સળિયા સપ્લાય કરવા માટે ફરિયાદી પાસેથી આઠ મહિનામાં 4.31 કરોડ રૂપિયા આરોપીએ લીધા હતા.
આપણ વાંચો: સાયબર છેતરપિંડી ‘હેલ્પલાઇન’: ફરિયાદનો આંકડો એક લાખને પાર, ફરિયાદીઓના કેટલા રુપિયા બચ્યા?
જોકે સળિયા મોકલવાને બદલે આરોપીઓએ મટીરિયલ મોકલ્યાના બનાવટી ઈન્વોઈસ અને ખોટા લેજર દેખાડ્યા હતા. ખરેખર તો મટીરિયલ સપ્લાય કરાયા જ નહોતા, એમ પોલીસે જણાવ્યું હતું.
પોતે છેતરાયો હોવાનું જણાતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કલમના પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)