મહારાષ્ટ્ર

બજેટ સત્રમાં ધમાલઃ મહારાષ્ટ્ર વિધાનભવનની લોબીમાં બે નેતા બાખડ્યાં અને

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં શિવસેના શિંદે જૂથના બે નેતા એકબીજા સાથે બાખડી પડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. બંને નેતા બાખડી પડ્યા પછી બંને નેતાને શાંત પાડવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોએ સરકાર પર નિશાન તાકી આ ઘટનાને ગંભીર લેખાવી હતી.

માહિતી મુજબ વિધાનભવનની લૉબીમાં શિંદે જૂથના નેતા દાદા ભૂસે અને કર્જતના વિધાનસભ્ય મહેન્દ્ર થોરવેની વચ્ચે પ્રદેશના વિકાસ કામકાજ માટે મળતા ભંડોળને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ આટલી હદે વધી ગયો હતો કે બંને વચ્ચે ધક્કા-મુક્કી પણ થઈ હતી. આ વિવાદને વધતો જોઈને શિદે જૂથના નેતા શંભુરાજ દેસાઇ અને વિધાનસભ્ય ભરત ગોગાવલેએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડવાનું કામ કર્યું હતું.

વિધાનભવનના સભાગૃહમાંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભરત ગોગાવલે અને શિંદે જૂથના બીજા વિધાનસભ્યો સાથે હતા. આ દરમિયાન સીએમ શિંદે જેમ સભાગૃહમાં ગયા તે સમયે લૉબીમાં થોરવે અને દાદા ભૂસે વચ્ચે વિવાદ થયો હતો. જોકે તેમના વચ્ચે કઈ વાતને લઈને વિવાદ થયો હતો એ કારણ હજી સુધી સામે આવ્યું નથી.

આ ઘટના બાબતે મહેન્દ્ર થોરવેએ કહ્યું હતું કે સીએમ શિંદે સાથે અમે પ્રમાણિક રીતે કામ કરીએ છીએ. ગયા અનેક સમયથી પ્રધાન દાદા ભુસેના કામ બાબતે ચર્ચા કરી રહ્યા છે. હું દાદા ભુસેને કામ બાબતે પૂછવા જતાં તેમણે મારી સાથે ગુસ્સાથી વાત કરી હતી. મારા વિસ્તારમાં જનતાનું કામ થવું જોઈએ આ મારી ઈચ્છા છે, એવું થોરવેએ કહ્યું હતું.

દાદા ભૂસે અને મહેન્દ્ર થોરવે વચ્ચે થયેલા આ વિવાદને લઈને સીએમ એકનાથ શિંદેએ કઈ પણ બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે કઈ પણ નહીં પૂછો, આ વિધાનસભા સત્ર બાબતે પ્રશ્ન પૂછો. આ ઘટનાને લઈને શંભુરાજ દેસાઇએ કહ્યું હતું કે આ માત્ર એક પ્રધાન અને વિધાનસભ્ય વચ્ચે ચર્ચા થઈ હતી. તેમની વચ્ચે કોઈ પણ વિવાદ થયો નથી. દરમિયાન આ ઘટનાના પડઘા વિધાન પરિષદમાં પડ્યા અને વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button