સાવધાનઃ કલ્યાણમાં એક વૃદ્ધ ગટરમાં પડતાં ઘાયલ, નાગરિકો નારાજ

કલ્યાણ: કલ્યાણમાં એક રાહદારી ગટરમાં પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયાની ઘટના જાણવા મળી હતી, જેને કારણે શહેરીજનોમાં પ્રશાસન પ્રત્યે રોષની લાગણી વ્યાપી હતી.
એક તરફ કલ્યાણમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, ત્યાં બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા આ જ કામોમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
કલ્યાણ કોર્ટ અને તહસીલદાર કચેરીની બહાર મુખ્ય માર્ગ સાથે ખોદવામાં આવેલી ગટરોને ઢાંકવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરોએ નિયમોની અવગણના કરી ઢાંકણને બદલે માત્ર લાકડાનું પાટિયું રાખ્યું હતું.
આપણ વાંચો: અબોલ પ્રાણીઓના કલ્યાણ માટે ઉત્તરાયણથી રાજ્યમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું”…
ગઈકાલે આ પાટિયા પરથી પસાર થતી વખતે એક વૃદ્ધ નાગરિક ફંગોળાઈને સીધા ગટરમાં પડ્યા હતા. જોકે, આસપાસના વિસ્તારના પોલીસ અને નાગરિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વૃદ્ધને ગટરમાંથી બહાર કાઢ્યા હતા.
આ બેદરકારીભર્યા વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્માર્ટ સિટીના નામે લોકોના જીવ સાથે રમત રમાઈ રહી હોવાનો આક્ષેપ શહેરના નાગરિકો કરી રહ્યા છે. આવી ઘટનાઓ ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તાકીદે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.