કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાઈ: 15 માછીમારને બચાવાયા

પાલઘર: પાલઘર નજીકના દરિયામાં કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદ્નસીબે બે બોટની મદદથી સમયસર મદદ મળી રહેતાં 15 માછીરને બચાવી લેવાયા હતા.
પાલઘર જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત બોટને 17 કલાકની જહેમત પછી પાણીમાંથી કિનારે લાવવામાં સફળતા મળી હતી.
પાલઘરના દરિયાકિનારેથી ત્રણ નોટિકલ માઈલ દરિયામાં 14 ઑગસ્ટની રાતે આ ઘટના બની હતી. કાર્ગો શિપ એટલા જોરથી ટકરાઈ હતી કે ‘શ્રી સાંઈ’ બોટમાંના ચાર માછીમાર દરિયામાં ફંગોળાયા હતા. જોકે ચારેય જણ તરીને ફરી બોટ પાસે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈના દરિયામાં ફરી અકસ્માતઃ માછીમારોની બોટ સાથે શિપ ટકરાઈ
મદદ માટેનો કૉલ મળતાં જ નજીકની બે બોટ ‘જય સાંઈ પ્રિયા’ અને ‘જય સાંઈ રામ’ માછીમારોને બચાવવા પહોંચી ગઈ હતી. માછીમારોને ઉગારી લેવાની સાથે અકસ્માતગ્રસ્ત બોટને પણ બચાવવાના પ્રયાસ કરાયા હતા. બન્ને બોટની મદદથી અકસ્માતગ્રસ્ત બોટને રાતે 10.30 વાગ્યાની આસપાસ મુરબે પોર્ટ તરફ લઈ જવાની કવાયત શરૂ કરાઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારે પવન અને ઊંચાં મોજાંને કારણે કિનારે પહોંચવામાં મુશ્કેલી નડી રહી હતી. આખરે બીજે દિવસે મુરબેથી વધુ બે બોટ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 17 કલાકની જહેમત પછી બોટને કિનારે લાવી શકાઈ હતી. (પીટીઆઈ)