આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેબિનેટનો નિર્ણય: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે

મંગળવારથી પ્રમાણપત્ર આપવાનું ચાલુ કરવામાં આવ્યાનો દાવો: ઓબીસી કમિશન નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા નક્કી કરવા માટે ગઠિત કરવામાં આવી હતી.

કુણબી પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કુણબી સમાજને ઓબીસી શ્રેણી હેઠળ આરક્ષણ આપવામાં આવે છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઓબીસી પંચ નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરીને મરાઠા સમાજના શૈક્ષણિક અને સામાજિક પછાતપણા અંગેનું આકલન કરવા જણાવ્યું છે.

કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નિવૃત ન્યાયમૂર્તિ દિલીપ ભોસલેની અધ્યક્ષતામાં નિવૃત્ત ન્યાયમૂર્તિઓ શિંદે અને મારોતી ગાયકવાડની ત્રણ સભ્યોની સમિતિ ગઠિત કરવામાં આવશે જે સરકારને મરાઠા અનામતની માગણી અંગે કાનૂની મુદ્દા પર સરકારને માર્ગદર્શન કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા મહિને નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની સમિતિ ગઠિત કરવામાં આવી હતી જેમણે મરાઠા સમાજના જે લોકોની વંશાવળીમાં કુણબી પ્રમાણપત્ર હતું તેમને કુણબી પ્રમાણપત્ર આપવાની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) નિર્ધારિત કરવાની હતી. નિઝામ કાળમાં જેમને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમને મહારાષ્ટ્ર સરકાર પણ કુણબી પ્રમાણપત્ર આપસે. અહીં ઉલ્લેખનીય છે કે મરાઠવાડા વિસ્તાર નિઝામના હૈદરાબાદ સ્ટેટના અધિકારક્ષેત્રમાં 1948 સુધી હતો. આ સમિતિને ગયા અઠવાડિયે 24 ડિસેમ્બર સુધીનો મુદતવધારો આપવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button