જાણીતા ઉદ્યોગપતિ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર આઠ કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયા અને પછી જે થયું…

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર છેલ્લાં કેટલાક દિવસોથી ચાલી રહેલી ટ્રાફિકની ભયાનક સમસ્યાએ હવે ગંભીર વળાંક લીધો છે. જાણીતા ઉદ્યોગપતિ સુધીર મહેતા (પિનાકલ મોબિલિટી સિટીના ચેરમેન) આ ટ્રાફિક જામમાં ખરાબ રીતે અટવાઈ ગયા હતા અને આખરે તેમને એરલિફ્ટ (હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ) કરવાની ફરજ પડી હતી. જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ગેસ ટેન્કરના અકસ્માત બાદ સર્જાયેલી અંધાધૂંધીની વચ્ચે એક હાઈ-પ્રોફાઈલ રેસ્ક્યુ ઓપરેશનની ઘટના સામે આવી છે. ઉદ્યોગપતિ સુધીર મહેતા મુંબઈથી પુણે તરફ જઈ રહ્યા હતા ત્યારે લોનાવાલા અને ખંડાલા ઘાટ વચ્ચે ભયાનક ટ્રાફિક જામમાં તેમની ગાડી ફસાઈ ગઈ હતી. કલાકો સુધી રાહ જોયા પછી પણ ટ્રાફિક ક્લિયર થવાની કોઈ શક્યતા ન જણાતા, તેમની તબિયત અથવા અગત્યની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા અને ઓનલાઈન વેબ પોર્ટલ્સ પર આઠ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા બાદ ઉદ્યોગપતિ સુધીર મહેતાને એરલિફ્ટ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ્સ આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આ અહેવાલોને કારણે નેટિઝન્સ વચ્ચે એક અલગ જ ચર્ચા થઈ રહી છે. સામાન્ય પ્રવાસીઓ જ્યારે કલાકોથી તરસ્યા-ભૂખ્યા અટવાયા છે, ત્યારે એક ઉદ્યોગપતિને મળેલાં આ વિશેષ રેસ્ક્યુએ પ્રશાસન સામે રોષ પેદા કર્યો છે.
સુધીર મહેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ જવાના પોતાના અનુભવ શેર કરતાં મહારાષ્ટ્ર સરકાર અને હાઈવે ઓથોરિટીની ટીકા કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અત્યંત દયનીય છે. જો આટલા મોટા હાઈવે પર એક અકસ્માત બાદ સ્થિતિ સંભાળી શકાતી ન હોય, તો આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બાબત છે.
આ ઘટના બાદ એક્સપ્રેસ-વે પર ફસાયેલા હજારો મુસાફરો સોશિયલ મીડિયા પર એવો સવાલ પણ ઉપસ્થિત કરી રહ્યા છે કે શું એરલિફ્ટ થવાની સુવિધા માત્ર અમીરો માટે જ છે? સામાન્ય લોકો જે ૧૬-૨૦ કલાકથી જામમાં ફસાયેલા છે તેમનું શું? આ જામને કારણે અનેક લોકોની ફ્લાઈટ્સ છૂટી ગઈ છે અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મોડું થયું છે અને દર્દીઓ કલાકો સુધી પાણી અને ખાધાપીધા વિના એમ્બ્યુલન્સમાં અટવાઈ પડ્યા હતા એમનું શું?



