મહારાષ્ટ્ર

પુણેમાં વિદ્યાર્થીઓને લઇ જઇ રહેલ બસને નડ્યો અકસ્માત: અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

પુણે: પુણેના વાઘોલીમાં વિદ્યાર્થીઓને લઇ જઇ રહેલ બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે બસમાં જઇ રહેલ કેટલાંક વિદ્યાર્થીઓને ઇજા થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પુણેના વાઘોલીમાં આવેલ રાયઝિંગ સ્ટાર આ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. દરમીયાન ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર કેટલાંક વિદ્યાર્થીઓને ઇજા થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ સીસીટીવ કેમેરામાં રસ્તા પરથી પૂર ઝડપે જઇ રહેલ બસ ઝાડ સાથે અથડાઇ હોવાનું સાફ દેખાઇ રહ્યું છે. બસનો ડાબી બાજુનો ભાગ એટલે કે દરવાજા તરફનો ભાગ ઝાડ સાથે અથડાયો હતો. અકસ્માત થતાં બસમાં વાર વિદ્યાર્થીઓની બૂમો સંભળાઇ રહી હતી. અકસ્માતની જાણથતાં સ્થાનિકોએ બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતાં. કેટલાંક લોકો રડી રહેલા બાળકોને બારીમાંથી શાંત કરી રહ્યાં હતાં.


સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહતી. પણ પુણેમાં થયેલ આ અકસ્માતને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પર પ્રશ્નચિન્હ ઊભો થયો છે. આ બસ પર આરટીઓનું નિયંત્રણ ન હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા થઇ રહ્યો છે. આ બાબતે લોણીકંદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button