મહારાષ્ટ્ર

બજેટ સત્રઃ ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી અને રોહિત પવારનું શું છે કનેક્શન?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી અને તેના વિશે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પણ આ મામલે મહારાષ્ટ્ર વિધાનસભામાં અમુક ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં ફડણવીસને આપવામાં આવેલી ધમકી સાથે રોહિત પવાર અને બારામતીનું કનેક્શન જોડવામાં આવી રહ્યું છે, જે વ્યક્તિએ ફડણવીસને ધમકી આપી તેણે પોતાને પોલીસની જંજાળમાંથી છોડાવવા માટે રોહિત પવારને ફોન કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ફડણવીસને ધમકી આપવા બદલ યોગેશ સાવંત નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ કાર્યવાહીથી છૂટવા માટે સાવંતે રોહિત પવારને ફોન કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.

ભાજપના વિધાનસભ્ય રામ કદમે વિધાનસભામાં રોહિત પવાર અને યોગેશ સાવંત વચ્ચે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. આ દાવાના કારણે રાજકીય વર્તૃળમાં ખળભળાટ મચી ગયો હતો અને સાવંત તેમ જ પવાર વચ્ચેના સંબંધોની ચર્ચા શરૂ થઇ હતી.

સાવંત શરદ પવાર જૂથના સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ભાજપના વિધાનસભ્યોએ કરેલા ગંભીર આક્ષેપોનો જવાબ આપતા શરદ પવાર જૂથના વિધાનસભ્ય તેમ જ શરદ પવારના કુટુંબના રોહિત પવારે કહ્યું હતું કે ભાજપના વિધાનસભ્યોએ કરેલો આરોપ ફડણવીસને ખુશ કરવા માટે છે.

આ બાબતે તપાસ કરવાની માગણી ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલ્લાર દ્વારા કરવામાં આવી હતી. ફડણવીસને ધમકી અને બારામતીનું શું કનેક્શન છે તે બાબતે તપાસ કરવામાં આવે, તેવી માગણી કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button