નાશિકમાં અંતિમસંસ્કાર વખતે મૃત વ્યક્તિ જીવતી થઈ, પછી શું થયું?

નાશિક: ઘરમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે. પરંતુ જો મૃત વ્યક્તિ અચાનક જીવીત થઈ જાય તો કેવું થાય? આવો વિચાર આપણા મનમાં કૂતુહલ પેદા કરે છે. પરંતુ નાશિકમાં આવી સત્ય ઘટના બની છે. જેમાં અંતિમસંસ્કારના સમયે મૃત વ્યક્તિ જીવતો થઈ ગયો હતો. આવો જાણીએ સમગ્ર મામલો શું છે?
ડૉક્ટરે વ્યક્તિને બ્રેઇન ડેડ જાહેર કર્યો
ત્ર્યંબકેશ્વર તાલુકાના 19 વર્ષીય ભાઉ લચકે નામનો યુવાન થોડા દિવસ પહેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને અડગાંવની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં ડૉક્ટરે ભાઉ લચકેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાને બ્રેઇન ડેડ જાહેર કરાતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ તેના મૃતદેહને ઘરે લઈ જઈને અંતિમસંસ્કારની તૈયારીઓ શરૂ કરી હતી.
અંતિમસંસ્કાર દરમિયાન હાથ-પગમાં થઈ હલચલ
મીડિયા સાથે વાત કરતા ભાઉ લચકેના સંબંધી ગંગારામ શિંદેએ જણાવ્યું કે, “જ્યારે અમે તેના અંતિમસંસ્કારની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે તે હલવા લાગ્યો અને ખાંસી ખાવા લાગ્યો. અમે તેને જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે, તેની હાલત ખૂબ ગંભીર છે, તેને હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે.”
ખાનગી હોસ્પિટલનો ખુલાસો
બ્રેઇન ડેડ જાહેર કરેલી વ્યક્તિ જીવીત થતાં ખાનગી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. ભાઉ લચકેની સારવાર કરનાર હોસ્પિટલના પ્રશાસને જણાવ્યું હતું કે, “ભાઉ લચકેને ક્યારેય મૃત જાહેર કરવામાં ન્હોતો આવ્યો. પરિવારજનો દ્વારા કેટલાક મેડિકલ શબ્દો સમજવામાં ભૂલ થઈ છે.”