નવી એરલાઇન્સ માટે વિલંબ: બોઇંગ વિમાનની ડિલિવરી માટે હવે 6 વર્ષની રાહ જોવી પડશે

નાગપુર: છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં મોડી ઉડતી ફ્લાઇટ્સના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક ફ્લાઇટ્સ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ પાંચથી છ કલાક મોડી પડી હતી. તેમાં હવે ફરી એકવાર નવી વિમાન સેવા શરૂ થવામાં મોટો વિલંબ થવાના સમાચાર સામે આવ્યા છે.
બોઇંગના ભૂતપૂર્વ સીઈઓ ડૉ. દિનેશ કેસકરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ નાગપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું કે, જો આજે બોઇંગ પાસે વિમાન માટે બુકિંગ કરવામાં આવે, તો પણ તેની ડિલિવરી સામાન્ય રીતે છ વર્ષ પછી જ થઈ શકે તેમ છે.
આ કારણે નવી એરલાઇન્સ કંપનીઓ માટે તરત જ ઉડાણ શરૂ કરવાનું શક્ય નથી. જો કેન્દ્ર સરકાર નવી એરલાઇન્સને પરવાનગી આપે તો પણ, તેમને ખરેખર સંચાલન શરૂ કરવામાં ઘણો સમય લાગી શકે છે, કારણ કે હાલમાં વિમાનોની ઉપલબ્ધતા સૌથી મોટી સમસ્યા છે, એમ તેમણે ઉમેર્યું.
વધુમાં ડૉ. કેસકરે જણાવ્યું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાન ઉત્પાદક કંપનીઓ પાસે ૨૦૩૨ સુધીનું એડવાન્સ બુકિંગ થયેલું છે. ભારતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવા છતાં, દેશમાં વિમાનનું ઉત્પાદન હાલમાં શક્ય નથી.
સરકાર વિમાન ઉત્પાદન માટે પરવાનગી અને માળખાગત સુવિધા પૂરી પાડી શકે છે, પરંતુ કુશળ માનવશક્તિનો અભાવ છે. જમીન, વીજળી અને પાણી મેળવી શકાય છે, પરંતુ ઉચ્ચ કુશળ ટેકનિશિયન અને ઇજનેરો સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી જ બોઇંગ પાસે વિશ્વમાં ફક્ત જ બે વિમાન ઉત્પાદન કેન્દ્રો છે, અને તે યુએસમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.



