મહારાષ્ટ્ર

નાગપુરમાં રવિવારથી ગુમ પાંચ લોકોના મૃતદેહ ખાણમાંથી મળતા ખળભળાટ

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કુહી તહસીલના સુરગાંવમાં સોમવારે એક જૂની બંધ ખાણમાંથી એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકોની ઓળખ રોશની ચંદ્રકાંત ચૌધરી (32 વર્ષ), મોહિત ચંદ્રકાંત ચૌધરી (12 વર્ષ), લક્ષ્મી ચંદ્રકાંત ચૌધરી (10 વર્ષ), રજ્જો રાઉત (25 વર્ષ) અને ઇતિરાજ અંસારી (20 વર્ષ) તરીકે થઈ છે. આ બધા લોકો રવિવારથી ગુમ હતા, અને તેમના ગુમ થયાનો રિપોર્ટ નાગપુર શહેરના તહસીલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શોકિંગઃ પેરુમાં સોનાની ખાણમાંથી અપહ્યત ૧૩ કામદારના મૃતદેહ મળ્યાં

સોમવારે બપોરે પોલીસને સુરગામમાં એક બંધ ખાણમાં કેટલાક મૃતદેહો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ કુહી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરુ કર્યું હતું. બપોરે એક વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે ખાણમાંથી પાંચેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળતા અહીંના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

મૃતકોના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા છે કે હત્યાનો કેસ છે પોલીસ તેની તપાસ કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ તમામ સંભવિત પાસાંઓની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button