કોંગ્રેસને ફટકોઃ પૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે ભાજપમાં જોડાયા

મુંબઈ: કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે મંગળવારે પુણે જિલ્લાના ભોર તાલુકામાં પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને પક્ષના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે થોપટેને પક્ષમાં આવકાર્યા હતા. થોપટેએ ગયા અઠવાડિયે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.
પુણે જિલ્લાના ભોર મતવિસ્તારનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા થોપટે 2024ની વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર શંકર માંડેકર સામે હારી ગયા હતા. તેમનો પરિવાર કોંગ્રેસને સંનિષ્ઠ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અનંતરાવ થોપટેના પુત્ર છે. અનંતરાવ છ વખત ભોરમાં ચૂંટણી જીત્યા હતા અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારના કટ્ટર હરીફ હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટેનું રાજીનામું: ભાજપમાં જોડાય તેવી શક્યતા…
આ પ્રસંગે થોપટેએ જણાવ્યું હતું કે હું એક સંનિષ્ઠ કોંગ્રેસી હતો. મેં પક્ષ અને મહા વિકાસ આઘાડી માટે કામ કર્યું છે. જોકે, મારા કામ અને વફાદારીની કદર ન થઈ. કોંગ્રેસની વિચારધારા છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે મેં અને મારા પિતાએ પક્ષ માટે ઘણી જહેમત ઉઠાવી હતી. હું કોંગ્રેસને વફાદાર હતો, પક્ષે મને છોડવા મજબૂર કર્યો.
ભાજપ દેશનો સૌથી મોટી પક્ષ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં કામ કરતો હોવાથી ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. હું ફડણવીસને ઘણા વર્ષોથી ઓળખું છું, પરંતુ મેં ક્યારેય રાજકારણ માટે સંબંધનો ઉપયોગ નથી કર્યો.’
(પીટીઆઈ)