ભાજપના મહારાષ્ટ્ર એકમનું પાંચમી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન: 25 લાખ નવા સભ્યોનું ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપનું મહારાષ્ટ્ર એકમ પાંચમી જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન યોજશે જેનો ઉદ્દેશ એ જ દિવસે પચીસ લાખ નવા સભ્યોની નોંધણી કરવાનો છે, એમ પાર્ટીના એક પદાધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
પાર્ટીના સંગઠન પ્રભારી રવીન્દ્ર ચવ્હાણે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહેસૂલ પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત બાવનકુળે નાગપુરમાં આ અભિયાનમાં ભાગ લેશે.
બાવનકુળેએ નિર્દેશ આપ્યો છે કે દરેક બૂથ કાર્યકર 250થી વધુ નવા સભ્યોની નોંધણી કરવાનો પ્રયાસ કરશે, ચવ્હાણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાથી નારાજ નથી: ભાજપના વિધાનસભ્ય પડળકર…
ભાજપ પાંચમી જાન્યુઆરીએ એક ખાસ સભ્યપદ ઝુંબેશ ચલાવશે જેના હેઠળ તે એક જ દિવસમાં પચીસ લાખ નવા સભ્યોની નોંધણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
પાર્ટીએ ડિસેમ્બરમાં સભ્યપદ ઝુંબેશ શરૂ કરી હતી અને રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારોમાંથી દરેક ક્ષેત્રમાંથી 50,000 સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ જ ઘટનાક્રમમાં પાલઘર જિલ્લાના વસઈ અને નાયગાંવના શિવસેના (યુબીટી) અને બહુજન વિકાસ આઘાડી (બવીઆ)ના ઘણા કાર્યકરો શનિવારે ભાજપમાં જોડાયા હતા.
ભાજપે 2024ની વિધાનસભાની ચૂંટણીમાં બવીઆ પાસેથી વસઈ અને નાલાસોપારા બેઠકો છીનવી લીધી હતી.