
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલમાં શિંદેજૂથની શિવસેના અને અજિત પવાર જૂથના એનસીપી સાથે ભાજપે વિચિત્ર સમીકરણ રચી સત્તા મેળવી છે. ત્રણ પૈંડાની રીક્ષા જેવી કહેવાતી આ સરકારના ત્રણેય પક્ષ હવે લોકસભાની ચૂંટણી તરફ મીટ માંડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિયાળુ સત્ર દરમિયાન ભાજપની મહત્વની બેઠકો યોજાઈ. નાગપુર સંઘનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં ભાજપના નેતાઓ સાથે તેમની બેઠકો પણ યોજાતી રહેતી હોય છે ત્યારે આવી જ એક બેઠક યોજાઈ હોવાની અને તેમાં લોકસભા અંગે નિર્ણયો લેવાયા હોવાની ચોંકાવનારી માહિતી એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડએ આપી છે.
આવ્હાડએ ટ્વીટ કર્યું છે ત્રણ રાજ્યોમાં જીત પછી મહારાષ્ટ્રમાં આરએસએસ સાથે ભાજપની બેઠક યોજાઈ, જેમાં એકલા લડવાનું નક્કી કરવામાં આવ્યું. જેમના પર આરોપો હોય, જેમના પર ડાઘ હોય તેમને સાથે રાખવા નહીં. જેમણે ભાજપ સાથે ચૂંટણી લડવી હોય તેમણે કમળના ચિહ્ન પર જ ચૂંટણી લડવી પડશે.
નાગપુરમા શિાળુ સત્ર દરમિયાન જેટલી રાજકીય ગરમી નથી વર્તાઈ તેટલી આ ટ્વીટથી વર્તાઈ રહી હોવાનું કહેવાય છે. આમ પણ શિંદે-પવારના જૂથ સાથે લોકસભાની બેઠકોની વહેંચણી થશે તે વાત ભાજપના નેતાઓ પણ પચાવી શકતા નથી. તો બીજી બાજુ પોતાનું રાજકીય ભાવિ શું છે તે પણ હજુ શિંદે અને પવાર જૂથના સભ્યોને ખબર નથી. આ રીતે બધા અસંતોષ અને અસંજમજસમાં છે ત્યારે આ ટ્વીટને લીધે ચર્ચા જાગી છે.