ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રને તાલિબાન જેવું રાજ્ય બનાવવા માગે છે: કોંગ્રેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રને ‘તાલિબાન જેવું’ રાજ્ય બનાવવા માગે છે, એવો સવાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હર્ષવર્ધન સપકાળે સોમવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડાએ રવિવારે મોડી રાત્રે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર હુમલો કરવાના વિરોધમાં ખારમાં એક સ્ટુડિયો અને હોટલ પર શિવસેનાના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલાની નિંદા કરી હતી.
‘હુમલાખોરો સત્તાધારી પક્ષના છે. શું તેમને પોતાની સરકાર, બંધારણ, કાયદા અને ગૃહ વિભાગ પર વિશ્ર્વાસ નથી? તેમણે કાયદો હાથમાં કેમ લીધો? જ્યારે કામરાએ શિંદેનું નામ પણ લીધું ન હતું ત્યારે તેઓએ આ હુમલો કેમ કર્યો?’ એમ સપકાળે પૂછ્યું હતું.
આપણ વાંચો: 65થી વધુ વય ધરાવતા રિક્ષા ડ્રાઈવર્સ માટે મહાયુતિ સરકારે કરી મોટી જાહેરાત
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે 17 માર્ચના નાગપુર હિંસાના આરોપીના ઘરને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓએ ‘ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનો’ માટે ભાજપના પ્રધાન નિતેશ રાણે સામે હજુ સુધી તેનો ઉપયોગ કર્યો નથી.
‘શું શાસક ગઠબંધન મહારાષ્ટ્રને તાલિબાન જેવા રાજ્યમાં ફેરવવાની યોજના ધરાવે છે,’ એમ તેમણે પૂછ્યું હતું. સપકાળે કહ્યું હતું કે, જે સ્ટુડિયોમાં કામરાનો શો થયો હતો તે તેમનો નહોતો અને ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી વિચારધારાના લોકોએ ભાગ લીધો છે, તેમણે ઉમેર્યું કે ભાજપના પ્રધાન આશિષ શેલારને પણ ત્યાં એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘આ સ્ટુડિયો એક સ્વાતંત્ર્ય સેનાનીનો છે જે ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અપરિણીત રહ્યા અને પછી જ લગ્ન કર્યા હતા. આ સ્ટુડિયો નફાના હેતુ વિના ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, અને ઘણા કલાકારોએ તેના સ્ટેજ પર પ્રદર્શન કર્યું છે. આ સાંસ્કૃતિક કેન્દ્ર પર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાર્યકરો દ્વારા કરવામાં આવેલો હુમલો પણ સ્વાતંત્ર્ય સેનાનીની મિલકત પર હુમલો છે,’ એમ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું.
આપણ વાંચો: જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
‘આ ફક્ત અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે નથી પણ લોકશાહીમાં લોકોએ કેવી રીતે જીવવું જોઈએ તે વિશે પણ છે. આ હુમલામાં 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્ય સરકારે વળતર આપવું જોઈએ. પોલીસે ફક્ત દર્શક તરીકે કામ કર્યું, જે ખૂબ જ ચિંતાજનક છે,‘ એમ પણ સપકાળે કહ્યું હતું.
નાગપુર હિંસા પર ફડણવીસે 22 માર્ચે નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે જરૂર પડશે ત્યારે બુલડોઝર ફેરવવામાં આવશે’ તેના પર પ્રહાર કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે પૂછ્યું હતું કે શું શિંદેના કાર્યકરો સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે.
‘સરકારે નાગપુર રમખાણોના આરોપી ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. ફડણવીસના પ્રધાન નિતેશ રાણેએ ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનો આપ્યા હોવાથી, શું ફડણવીસ નિતેશ રાણેના ઘર પર પણ બુલડોઝર ચલાવવાનો આદેશ આપશે,’ એમ તેમણે વધુમાં પૂછ્યું હતું.