મહારાષ્ટ્ર

PM Modi અન્ય દિગ્ગજોના પ્રતાપે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ: ફડણવીસ

નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજોના પ્રયાસોને પ્રતાપે ભારતીય જનતા પક્ષ (ભાજપ) વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની શક્યો છે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

ભાજપની સ્થાપના 6 એપ્રિલ, 1980ના દિવસે તત્કાલીન ભારતીય જનસંઘના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. આ એક એવો પક્ષ હતો જેણે અન્ય વિરોધ પક્ષો સાથે ભળીને કટોકટી પછીની 1977ની ચૂંટણીમાં કોંગ્રેસનો મુકાબલો કરવા જનતા પક્ષની રચના કરી હતી.

આ પણ વાંચો: પુણેની હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવાનો ઇનકાર: મુખ્યમંત્રી ફડણવીસે સંયુક્ત ચેરિટી કમિશનરના નેતૃત્વમાં તપાસ પેનલની રચના કરી

વર્ષ ૧૯૮૪માં પ્રથમ વાર રાષ્ટ્રીય ચૂંટણીમાં ઝુકાવનાર ભાજપે માત્ર બે લોકસભા બેઠક જીતી હતી. જોકે, 1990ના દાયકામાં ગઠબંધનના વડા તરીકે સત્તા પર આવતા અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપનો ઝડપથી વિકાસ થયો હતો.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ 2014માં પક્ષને પ્રથમ વાર બહુમતી અપાવી હતી. ત્યારથી પક્ષ કેન્દ્રમાં સત્તા પર છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં ભાજપના નવા કાર્યાલયનો શિલાન્યાસ કર્યા બાદ ફડણવીસે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને ભાજપના નવા કાર્યાલય માટે પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું અને પક્ષના તમામ કાર્યકરોને તેમની ક્ષમતા મુજબ ફાળો આપવા વિનંતી કરી હતી.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button