સત્તાની લાલચે ભાજપ-AIMIM એક થયા, મહારાષ્ટ્રમાંના આ શહેરમાં બનાવ્યું ગઠબંધન…

અકોટ: રાજકારણમાં કોઈ કાયમ શત્રુ કે મિત્ર નથી હોતા; આ વાત ભારતમાં અનેક વખત સાર્થક થઇ ચુકી છે. એવામાં મહારાષ્ટ્રમાં ફરી એક વાર આ કહેવત હકીકત બની છે. હંમેશા મુસ્લિમ હિતની હિમાયત કરતી અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળનાં પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) અને હિન્દુત્વ મુદ્દે રાજકારણ રમતા પક્ષ ભારતીય જનતા પાર્ટી(BJP)એ ગઠબંધન કર્યું છે.
નોંધનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલોની ચૂંટણી યોજાઈ હતી. અકોટમાં મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી પણ તે સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નહીં. 35 સભ્યોની કાઉન્સિલમાં ભાજપને 11 બેઠકો મળી, જેના કારણે બહુમતી મેળવવા તેને અન્ય પક્ષોની મદદ લેવાની જરૂર પડી.
અકોટમાં મ્યુનિસિપલ ચૂંટણીમાં છ બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમનો સૌથી મોટા પક્ષ રહ્યો. ઓવૈસીની AIMIM પાંચ બેઠકો સાથે ત્રીજા ક્રમે રહ્યો.

સત્તાની લાલચ વિરોધી પાર્ટીઓને સાથે લઇ આવી:
સામાન્ય રીતે ભાજપ અને AIMIMના નેતાઓ એક બીજાની પાર્ટી અને નેતાઓને વખોડવામાં કોઈ કમી નથી રાખતા, એવામાં ગઈ કાલે મંગળવારે જે બન્યું એ અવિશ્વાસનીય હતું. ભાજપે AIMIM સહીત અન્ય પક્ષો સાથે મળીને ‘આકોટ વિકાસ મંચ’ નામના ગઠબંધનની રચના કરી અને અકોટ મ્યુનિસિપલ કાઉન્સિલ પર સત્તા મેળવી.
આ ગઠબંધનમાં ભાજપ અને AIMIM સિવાય એવા વિરોધી પક્ષો સામેલ થયા જેના નેતાઓ એક બીજાની સામે આવતા બાખડી પડતા હોય છે. ‘આકોટ વિકાસ મંચ’ ભાજપ અને AIMIM સિવાય શિવસેના (એકનાથ શિંદે), શિવસેના (ઉદ્ધાવ ઠાકરે જૂથ), NCP (અજિત પવાર), NCP (શરદ પવાર) અને બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી પણ સામેલ થઇ.
ભાજપ નેતા બન્યા મેયર:
ભાજપની આગેવાની હેઠળના આ ગઠબંધનની કુલ 25 બેઠકો થઇ, બહુમતીના મળતા ભાજપના માયા ધુળે મેયર બન્યા. જયારે કોંગ્રેસ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી વિરોધ પક્ષમાં રહેશે. આ ગઠબંધનને અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે રજીસ્ટર કરવવામાં આવ્યું.
આ પણ વાંચો…‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું’: મહાયુતિની બિનહરીફ જીત પર ફડણવીસનો વિપક્ષ પર કટાક્ષ…
AIMIM એ ભાજપની B ટીમ છે?
કોંગ્રેસ અને તૃણમૂ કોગ્રેસ જેવા પક્ષો આરોપ લગાવતા રહે છે કે AIMIM મુસ્લિમ મતોનું વિભાજન કરીને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને મદદ કરી રહી છે. ઘણીવાર AIMIM ને ભાજપની ‘B’ ટીમ પણ કહેવામાં આવે છે.
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ અને AIMIM પર સમગ્ર મહારાષ્ટ્રમાં છુપી રીતે ગઠબંધન બનાવી રહ્યા છે.
ભાજપે AIMIM સાથે ગઠબંધનનો બચાવ કર્યો છે. ભાજપે કહ્યું એ આ માત્ર સ્થાનિક ધોરણની જ વ્યવસ્થા છે.



