પેટ્રોલિંગ પર હાજર બીટ માર્શલ્સની બાઈકને કારે અડફેટે લીધી: કોન્સ્ટેબલનું મૃત્યુ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીછો કરી કાર ડ્રાઈવરને પકડી પાડ્યો

પુણે: મુંબઈના વરલી વિસ્તારમાં રાજકીય નેતાના પુત્રએ સ્કૂટર પર જઈ રહેલા દંપતીને અડફેટે લઈ પત્નીનું મૃત્યુ નીપજાવ્યાની ઘટનાને બાર કલાક વીત્યા નથી ત્યાં પુણેમાં હિટ ઍન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. પૂરપાટ વેગે કાર દોડાવી યુવકે પેટ્રોલિંગ પર હાજર બીટ માર્શલ્સની બાઈકને ટક્કર મારતાં કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ ફરાર આરોપીની કારનો પીછો કરી ક્રાઈમ બ્રાન્ચે યુવકને પકડી પાડ્યો હતો.
ખડકી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે ખડકી પરિસરના હેરિસ બ્રિજ નજીક બની હતી. પેટ્રોલિંગ કરી રહેલા ખડકી પોલીસ સ્ટેશનના બીટ માર્શલ્સ સંજોગ શિંદે અને સમાધાન કોળીની બાઈકને પાછળથી આવેલી કારે ટક્કર મારી હતી.
આ પણ વાંચો: Mumbai hit and run: કોણ છે રાજેશ શાહ, કઈ રીતે બન્યા શિંદેસેનાના નેતા
કારે ટક્કર મારતાં બન્ને કોન્સ્ટેબલ બાઈક પરથી દૂર ફંગોળાયા હતા અને જમીન પર પટકાયા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કોળીનું મૃત્યુ થયું હતું, જ્યારે જખમી શિંદેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કાર સિદ્ધાર્થ કેંગાર ચલાવી રહ્યો હતો. સર્વિસ સેન્ટરના કર્મચારી કેંગારે મિત્રની કાર લીધી હતી. જોકે ઘટનાસ્થળે સીસીટીવી કૅમેરા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ રોકવા કડક પગલાં લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આદેશ
દરમિયાન પુણેના પિંપળે નિલાખ પરિસર તરફથી પસાર થયેલી આરોપીની કારને નુકસાન થયેલું જોઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને શંકા ગઈ હતી. પોલીસની ટીમે કારનો પીછો કરી 24 વર્ષના કેંગારને તાબામાં લીધો હતો. ખડકી પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(પીટીઆઈ)