બિહારમાં બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનમાં વિવાદથી એનડીએ ને ફાયદો થશે ; આઠવલેનો દાવો

નાગપુર: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુરુવારે અહીં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે બિહારમાં વિપક્ષી ‘મહાગઠબંધન’ માં બેઠકોની વહેંચણી અંગે વિવાદ છે, અને ઉમેર્યું હતું કે જો તેના ઘટકો આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાનું નક્કી કરે છે, તો તે એનડીએ ને વધુ બેઠકો જીતવામાં મદદ કરશે અને નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે.
૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બર એમ બે તબક્કામાં યોજાશે, જ્યારે મતોની ગણતરી ૧૪ નવેમ્બરના રોજ થશે.
મહાગઠબંધનમાં હજુ સુધી બેઠકોની વહેંચણી થઈ નથી તેવા પ્રશ્નના જવાબમાં, આઠવલેએ દાવો કર્યો હતો કે બેઠકો પર ગઠબંધનમાં વિવાદ છે. મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી સંગ્રામ: લોક જનશક્તિ પાર્ટીએ પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ…
સામાજિક ન્યાય રાજ્યપ્રધાને એમ પણ કહ્યું કે તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે બિહારમાં ચૂંટણી નહીં લડે પરંતુ એનડીએ ને ટેકો આપશે અને તેમના માટે પ્રચાર કરશે.
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ) સાથે જોડાણ કરે તો તેમાં કંઈ ખોટું નથી તેવી એનસીપી (એસપી) નેતા સુપ્રિયા સુળેની ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં, આઠવલેએ કહ્યું કે તેમનું માનવું છે કે એમએનએસ ના મુદ્દા પર વિપક્ષી ગઠબંધનમાં કોઈ સર્વસંમતિ નહીં થાય. તેથી, એમવીએ માં વિભાજન નિશ્ચિત છે.
આ પણ વાંચો: બિહાર સંગ્રામ: ચિરાગની બેઠકો પર ઉમેદવાર ઉતારીને નીતિશ કુમારે ભાજપના ગણિત પર પાણી ફેરવ્યું
તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “ડૅશિંગ લીડર્સ” ગણાવ્યા અને કહ્યું કે ભારતના અમેરિકા સાથેના વેપાર સંબંધો રશિયા સાથેના સંબંધો કરતાં વધુ મજબૂત છે.
પ્રધાને એમ પણ જણાવ્યું કે આરપીઆઈ-એ આવતા વર્ષે ૮ માર્ચે નાગપુરમાં રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે.
પીટીઆઈ