મહારાષ્ટ્ર

દહેજ કેસ: NCP નેતાની પુત્રવધૂના મોત અંગે મોટા ખુલાસા

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીની આત્મહત્યાનો મામલો આ દિવસોમાં ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વૈષ્ણવીના પતિ, સાસુ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પર વૈષ્ણવીને દહેજ માટે હેરાન કરવાનો અને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છે. વૈષ્ણવીના સાસરિયાઓ પુણેના ભુક્રમ વિસ્તારમાં રહે છે.

16મેના રોજ વૈષ્ણવીનો મૃતદેહ ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. બવધન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં વૈષ્ણવીના પિતા અનિલ સાહેબરાવ કસાપટે (51) એ આરોપ લગાવ્યો છે કે લગ્ન સમયે તેમણે તેમની પુત્રીને દહેજ તરીકે 51 તોલા સોનું, ચાંદીના વાસણો અને ફોર્ચ્યુનર SUV આપી હતી.

આપણ વાંચો: મરાઠી-ટીવી અને ફિલ્મજગતના જાણીતા નિર્દેશકે નાગપુરમાં કરી આત્મહત્યા

આમ છતાં, વૈષ્ણવીના સાસરિયાઓ મિલકત ખરીદવા માટે બીજા 2 કરોડ રૂપિયા લાવવા માટે તેના પર માનસિક અને શારીરિક દબાણ કરી રહ્યા હતા. પૈસા ન મળતા, શશાંક તેના સાસરિયાના ઘરે પહોંચ્યો.

ત્યાં તેણે વૈષ્ણવીને તેના પિતા પૈસા ન આપે તો તેના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. એફઆઈઆરમાં વૈષ્ણવીએ તેની માતાને આ વિશે પહેલા જાણ કરી હોવાનો ઉલ્લેખ છે.

એફઆઈઆરમાં વૈષ્ણવીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે પરિવાર તેને આત્મહત્યા નહીં પણ આયોજનબદ્ધ હત્યા માની રહ્યો છે. તેમનો આરોપ છે કે આ સુનિયોજિત રીતે કરવામાં આવેલી હત્યા છે.

આપણ વાંચો: ઉલ્હાસનગરમાં પત્ની-પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ કરી આત્મહત્યા

પોલીસે વૈષ્ણવીના પતિ શશાંક હગવણે, સાસુ લતા હગવણે અને ભાભી કરિશ્મા હગવણેની ધરપકડ કરી છે. જયારે NCP નેતા અને સસરા રાજેન્દ્ર હગવણે અને દિયર સુશીલ હગવણે ફરાર છે. બવધન પોલીસનું કહેવું છે કે બંનેની શોધ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

પિંપરી-ચિંચવડ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ ફાંસી છે. પરંતુ મૃતક પાસે કોઈ સુસાઈડ નોટ મળી નથી, તેથી અમે તમામ સંભવિત બાજુઓથી કેસની તપાસ કરી રહ્યા છીએ.

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, માત્ર પિંપરી-ચિંચવડ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય પક્ષ સાથે સંકળાયેલા નેતાના પરિવારનું નામ આવતા કાયદો, વ્યવસ્થા અને મહિલા સુરક્ષા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button